Home /News /mehsana /મહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત', બેસણામાં ગામ હિબકે ચઢ્યું
મહેસાણા કરૂણ અકસ્માત: 'સાથે મોટા થયા - સાથે ભણ્યા, નોકરીએ જતા સાથે મોત', બેસણામાં ગામ હિબકે ચઢ્યું
મહેસાણા અકસ્માત
અક્ષય અને ગૌરવ બંને પિતરાઈ ભાઈઓ હતા, જ્યારે કરણ પ્રજાપતિ તેમના મોહલ્લામાં રહેતો હતો. કરણ પરિવારમાં એકનો એક દીકરો હતા, તેના પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવાર તૂટી પડ્યો
કેતન પટેલ, મહેસાણા : બે દિવસ પહેલા એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાળપણના ત્રણ લંગોટીયા મિત્રોએ સાથે જિંદગી જીવી અને અકસ્માતમાં સાથે મોતને ભેટ્યા. આ ઘટનાથી પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે ત્રણે મિત્રોનું બેસણું પણ એક જ દિવસે રાખવામાં આવ્યું હતું. ત્રણેનો પરિવાર અને ગ્રામજનો હજુ પણ ત્રણેના બાળપણની વાતો વાગોળતા વાગોળતા આંસુ નથી રોકી શકતા.
તમને જણાવી દઈએ કે, મહેસાણા નજીક પાંચોટ પાસે બુધવારે એક કરૂમ અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક મોહલ્લામાં રહેતા ત્રણ મિત્રો, જે સાથે મોટા થયેલા, સાથે રમેલા, સાથે ભણેલા અને સાથે નોકરીએ જતા સમયે ડમ્પરની ટક્કરે સાથે મોતને ભેટ્યા હતા, આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું, સાથે આખુ ગામ ધ્રૂસકે ચઢ્યું હતું. આ ત્રણે મિત્રોના બેસણામાં લોકો તેમને યાદ કરી આંસુ રોકી શકતા ન હતા.
વિગતે અકસ્માતની વાત કરીએ તો, મહેસાણા નજીક આવેલા છઢિયારડા ગામમાં એક જ મોહલ્લામાં રહેતા ત્રણ મિત્રો બુધવારે સવારે નોકરી જવા એક જ બાઈક પર નીકળ્યા હતા. નોકરી અલગ-અલગ જગ્યા પર કરતા હતા પરંતુ નોકરીનો સમય એક જેવો હોવાથી સાથે નીકળ્યા હતા. ત્યારે પાંચોટ પાસે પહોંચ્યા તે સમયે ડમ્પરની ટક્કરે ત્રણે યુવાનો ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. જેમાં કરણ પ્રજાપતિ અને અક્ષય પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગૌરવ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આજે છડિયારડા ગામમાં એક જ દિવસે ત્રણે મિત્રોનું બેસણું યોજવામાં આવ્યું હતું, ગ્રામજનો સહિત પ્રજાપતિ સમાજના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. યુવકોના ફોટા જોઈ લોકો પોતાની આંખમાં આંસુ રોકી શકતા ન હતા. તેમના બાળપણની વાતો અને તેમની સાથેની યાદોને યાદ કરી લોકો રોઈ પડતા હતા. તમને જણાવી દઈએ કે, અક્ષય અને ગૌરવ બંને પિતરાઈ ભાઈઓ હતા, જ્યારે કરણ પ્રજાપતિ તેમના મોહલ્લામાં રહેતો હતો. કરણ પરિવારમાં એકનો એક દીકરો હતા, તેના પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવાર તૂટી પડ્યો હતો.