મહેસાણા પાલિકાના 29માંથી કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા
મહેસાણા નગરપાલિકાની તસવીર
મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતો જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થયું છે.
કેતન પટેલ, મહેસાણાઃ કોંગ્રેસમાંથી ધીમે ધીમે સભ્યો ભાજપ તરફ વળી રહ્યા છે. આજે મહેસાણા પાલિકાના કોંગ્રેસના 8 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યો હતો. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતો જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થયું છે. અત્યારે મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકીય લેબોરેટરી માનવામાં આવતું મહેસાણામાં મોટા ફેરફારો થયા છે. હાલ મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે જેમાંથી 29 સભ્યો કોંગ્રેસના સભ્યો છે જ્યારે ભાજપના 15 સભ્યો છે ત્યારે આજે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. જેમાં મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી , મહેશભાઈ પટેલ, અલારખી બેન બેલીમ ,સંજય બ્રહ્મ ભટ્ટ , રમેશભાઈ પટેલ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામ કોર્પોરેટર ભાજપમાં આવવાથી ભાજપની કોર્પોરેટરની સંખ્યા 22 થઇ જેથી મહેસાણા પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર દ્વારા 370 કલમને હટાવી લેવાના નિર્ણય બાદ કોગ્રેસના આ સભ્યોને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ પણ ભાજપમાં જોડાવા અંગે અભિયાન ચલાવ્યું છે. ત્યારે દરેક ક્ષેત્રના પ્રસિદ્ધ લોકો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રના દિગ્ગજ ડોક્ટરો તેજસ પટેલ, સુધિર શાહ રહેત 20થી વધારે ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે કલાક્ષેત્રમાં લોકગાયક કિંજલ દવે, અરવિંદ વેગડા સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.
એટલું જ નહીં ભજનિક હેમંત ચૌહાણને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ત્યાર બાદ હેમંત ચૌહાણ ભાજપમાં જોડાયા હોવાની વાત વહેતી થઇ હતી. જોકે, હેમંત ચૌહાણે સોશિયલ મીડિયા ઉપર પોતે ભાજપમાં જોડાયા નથી એવો ખુલાસો કર્યો હતો. જીતુ વાઘાણીએ માત્ર સન્માન કર્યું હતું એમ જણાવ્યું હતું. આમ હેમંત ચૌહાણ પણ ભાજપમાં જોડાયા હોવાનો વિવિદ ચાલ્યો હતો.