મહેસાણા : શહેરમાં સિટીબસ સેવા શરૂ થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે પહેલા પણ મહેસાણા માં સિટીબસ સેવા હતી પરંતુ ઘણાં સમય પછી ફરીથી ચાલુ થતાં શહેરીજનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. ૫ સપ્ટેમ્બર રવિવારે નીતિનભાઈ પટેલના હસ્તે આ સિટીબસનો પ્રારંભ કરાયો હતો.
દિવ્યાંગો અને મહિલાઓને મફત મુસાફરી
નીતિનભાઈ પટેલ એ કહ્યું હતું કે, મહિલાઓ અને દિવ્યાંગોને મફત મુસાફરી સાથે સેવા આપનાર આ સૌથી પહેલી નગરપાલિકા છે. ગર્વ ની વાત એ છે કે, મહિલાઓને મફત મુસાફરીની સાથે સાથે સિટીબસ ના કંડકટર તરીકે પણ સૌપ્રથમ મહિલાઓની જ પસંદગી કરવામાં આવી છે. ૮ રૂટો ની ૮ સિટીબસ મુકવામાં આવી છે અને ટોટલ ૬૦ સ્ટોપેજ રાખવામાં આવ્યા છે. તેમાં ૧૬ કંડકટર મહિલાઓ છે. દરેક સિટીબસ માં ૩૪ સીટ છે જેથી કરીને લોકો આરામ થી બેસી શકે.
અન્ય માટે લઘુત્તમ 5 અને મહત્તમ 10 રૂપિયા જ ભાડુ
મહિલાઓ અને દિવ્યાંગો સિવાય સિટીબસનું લઘુત્તમ ભાડું ૫ રૂપિયા અને મહત્તમ ભાડું ૧૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. મહિલાઓ માટે મફત મુસાફરી રાખવાથી બહેનો હવે ઘરે નહીં રહે અને ભાઈઓની ચિંતા વધશે એમ કહી શહેરીજનોમાં થોડું હાસ્ય રેલાયું હતું. અને નારીશક્તિ માટે આ વ્યવસ્થા બદલ નગરપાલિકાને શહેરીજનો એ અભિનંદન પાઠવ્યા હતા. સવારે ૬ વાગ્યા થી લઈને રાત ના ૧૦ વાગ્યા સુધી સિટીબસ ચાલું રહેશે.
સીસીટીવી સુવિધાથી સજ્જ, સિનિયર સિટિઝન માટે પાસની વ્યવસ્થા
સિટીબસ માં CCTV કેમેરા, LED, છાત્રો અને સિનિયર સિટીઝન્સ માટે સિટીબસના પાસની સુવિધા પણ છે. સિટીબસની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. જેનું નામ MCBS - મહેસાણા મ્યુનિસિપલ સિટીબસ સર્વિસ છે. જેને શરૂ થતાં લગભગ અઠવાડિયા જેટલો સમય થશે. એપ્લિકેશન શરૂ થતાં ની સાથે જ મોબાઈલ એપ્લિકેશન થી રૂટ અને બસ નો ટાઈમ જાણી શકાશે.