કેતન પટેલ, મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરી જ્યારથી ચૂંટણી જાહેર થઇ (Mahesana Dudhsagar Dairy) છે ત્યારથી રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. ત્યારે કોર્ટમાંથી રાહત મળતા ગઈકાલે 12:39 કલાકે વિપુલ ચૌધરીના વતી (Vipul chaudhry) પત્ની તેમજ તેમના પુત્રે વિસનગર પ્રાંત કચેરી ખાતેથી વિપુલ ચૌધરીનું નામાંકન ભર્યુ હતું. વિસનગર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં વિપુલ ચૌધરીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. એક બાજુ અશોક ચૌધરી બીજી બાજુ વિપુલ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે બંને જગ્યાએ સમર્થકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે દૂધ ઉત્પાદકોમાં બંને પક્ષે ઉત્તેજના જોવા મળી રહી છે.
ગઈકાલે વિસનગર પ્રાંત કચેરી ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપૂલ ચૌધરીનું નામાંકન ભરવા વિપુલ ચૌધરીની વતી તેમની પત્ની ગીતાબેન તેમજ પુત્ર પવન સાથે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળ્યો 12.39 કલાકે વિપુલ ચૌધરીનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેના સમર્થકો દ્વારા વિપૂલ ચૌધરીની અટકાયત ને લઇ ને ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકીય કિન્નાખોરી રાખી તેમની અટકાયત કરાઈ હોવાનું સમર્થકો માની રહ્યા છે.
ઉમેદવારોની ચર્ચા કરવામાં આવે તો આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગઈકાલે આ ચૂંટણીમાં ઉમેદવાર માટે 60 ફોર્મ ભરાયા છે જ્યારે આજે વધુ કેટલાક ફોર્મ ભરાયા તેવી શક્યતાઓ છે. કુલ 114 ઉમેદવારો નામાંકન નોંધાવી ચુક્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અગાઉ અશોક ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. તેઓ પોતાના સમર્થકો સાથે વિસનગર ખાતેની પ્રાંત કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. અશોક ચૌધરીએ ડેરીના ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો.
વિપુલ ચૌધરીના લેટરપેડમાં જણાવવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દૂકાળ સમયે સહાયરૂપે મોકલેલા પશુદાનની રકમ અંદાજીત 22.5 કરોડના 10 ટકા દૂધસાગર ડેરીમાં સાત દિવસમાં જમા કરાવવાની શરતે સહકારી રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલે તા. 8 ઓક્ટોબર 2018ના રોજ કામચલાઉ મનાઇ હુકમ આપ્યો હતો. તે મુજબ રૂ. 2.25 કરોડ મે ડેરીમાં તા. 16 ઓક્ટોબર 2018ના રોજ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ટ્રીબ્યુનલે રૂ. 22.5 કરોડના વધુ 40 ટકા રકમ જમા કરાવવાની શરતે તા. 29 જુલાઈ 2019ના રોજ કાયમી મનાઈ હુકમ આપ્યો હતો. તે મુજબ બીજા રૂ. 9 કરોડ પણ ઉછીના લઇ મે 20 ઓગસ્ટથી 29 ઓગસ્ટ 2019 વચ્ચે જમા કરાવ્યા છે. આમ કુલ 11.25 કરોડમે ડેરીમાં જમા કરાવ્યા છે. રૂ. 9 કરોડ જે ઉછીના લીધેલા તે જમીનોનું બાનાખત કરીને પરત કર્યા છે. જમા કરાવેલી રકમ એ વસુલાત નથી અને સહકારી ટ્રીબ્યુનલમાં કેસ હજી ચાલુ છે. આ દુષ્કાળમાં મોકલેલી સહાયની રકમનો મામલો છે, કોઇ નાણાકીય કૌભાંડ નથી.