અમેરિકાના મેટ્રોપોલિટન નેશવિલે પોલીસ વિભાગે 15 વર્ષના બે કિશોરોની આ મામલે ધરપકડ કરી
અમેરિકાના મેટ્રોપોલિટન નેશવિલે પોલીસ વિભાગે જણાવ્યું કે, હર્મિટેજમાં સોમવારે બપોરે ગેસ સ્ટેશનના કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ બે કિશોરો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઉંટવા ગામના વ્યક્તિની સોમવારે અમેરિકાના ટેનેસી સ્ટેટમાં ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. અમેરિકાના મેટ્રોપોલિટન નેશવિલે પોલીસ વિભાગે 15 વર્ષના બે કિશોરોની આ મામલે ધરપકડ કરી છે. તેમ મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે.
ઉંટવા ગામના સરપંચ મહેન્દ્ર પટેલે આ મામલે જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે મૂળ તેમના ગામના રહેવાસી વિશાલ પટેલની અમેરિકામાં બે કિશોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, વિશાલના માતા-પિતા લગભગ એક દાયકા પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા. વિશાલ પહેલા કેનેડા સ્થાયી થયો અને ત્યાર બાદ તે અમેરિકા ચાલ્યો ગયો. તે ત્યાં એક ગેસ સ્ટેશન પર કામ કરતો હતો.
અમેરિકાના મેટ્રોપોલિટન નેશવિલે પોલીસ વિભાગે જણાવ્યું કે, હર્મિટેજમાં સોમવારે બપોરે ગેસ સ્ટેશનના કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ બે કિશોરો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મેટ્રો પોલીસના જણાવ્યા અનુસાર, લેબનોન પાઈકના 4800 બ્લોકમાં સ્થિત ગેસ સ્ટેશન પર ક્વિક સાકના કર્મચારીની સાંજે 4 વાગ્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મેટ્રો પોલીસે જાણ કરી હતી કે 15 વર્ષી શોન ડેવિસ અને ડેમાર્કસ બોયડ સ્ટોરમાં પ્રવેશ્યા હતા અને કાઉન્ટર પાછળ રહેલા 36 વર્ષીય વિશાલ પટેલ સાથે થોડા સમય સુધી વાતચીત કરી હતી, અને ડેવિસે હેન્ડગન ખેંચી અને પટેલને ગોળી મારી દીધી હતી. પટેલને ટ્રાઈસ્ટાર સ્કાયલાઈન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મેટ્રો પોલીસના જણાવ્યા અનુસાર ડેવિસ અને બોયડ, ડેવિસના એક સંબંધીની ચોરાયેલી ગાડીમાં સ્ટોરમાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ડિટેક્ટીવ્સે લેબનોન રોડ પર નજીકની આર્બી રેસ્ટોરન્ટમાં ચોરેલી આ ગાડી શોધી કાઢી અને રાત્રે 8 વાગ્યાની આસપાસ કિશોરોને કસ્ટડીમાં લીધા.
ગેસ સ્ટેશન પર બનેલી ઘટનાથી ડેવિસ અને બોયડ પર લૂંટનો આરોપ મૂકવામાં આવ્યો હતો જ્યાં બે શકમંદો સ્ટોરમાં પ્રવેશ્યા હતા, બંદૂકની અણી પર રજિસ્ટરમાંથી તમામ રોકડ લઈ ગયા હતા અને ભાગી ગયા હતા. મેટ્રો પોલીસના જણાવ્યા અનુસાર, ડિટેક્ટીવ્સ સાથેની મુલાકાત દરમિયાન કિશોરોએ આ લૂંટમાં તેમની સંડોવણી હોવાનું કબૂલ્યું હતું.