મહેસાણા #પાટીદાર અનામતને લઇને ફરી એકવાર ભડકી ઉઠેલી આગમાં સોમવારે સાંજે ટોળાએ મહેસાણા સ્થિત ગૃહમંત્રી રજની પટેલના મકાનને આગ ચાંપી હતી. જેને પગલે ફરી એકવાર શહેરમાં માહોલ ગરમાયો હતા. તો બીજી તરફ ગૃહમંત્રીએ યુવાનોમાં રાષ્ટ્રવાદના વિચારો જન્મે એ હેતુસર મોઢેરામાં મોઢેરશ્વર પ્રીમીયર લીગ નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
ક્રિકેટર ચેતેશ્વર પૂજાર સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રી રજની પટેલે નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, રમત એ યુવાનોને પ્રિય હોય છે. વિવેકાનંદજીએ પણ કહ્યું છે કે, જો તમારે શ્રેષ્ઠ વિચારોના વાહક બનવું હોય તો રમતના મેદાનમાં જાવ, સ્વસ્થ શરીર અને તંદુરસ્ત મન એ શ્રેષ્ઠ વિચારોનું વાહક બનતું હોય છે અને રમતથી નિર્માણ થતું હોય છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિસ્તારની અને બહારના જિલ્લાઓમાંથી પધારેલી 96 જેટલી ટીમોની આ પ્રિમીયર લીગની શરૂઆત કરવામાં આવી છે. આ વાતને સાંકળીને અને યુવાનો લાંબા સમય સુધી કનેકટેડ રહે અને આ વિચાર એ રાષ્ટ્રીય વિચાર બને. રમત રમતાં રમતાં એમના મનમાં મૂલ્યોનું નિર્માણ થાય અને દેશ માટે પ્રાયોરીટી ઉભી થાય એ પ્રકારનો પ્રયત્ન અમે કરવા જઇ રહ્યા છીએ. આગામી સમયમાં અમને આમાં ચોક્કસથી સફળતા મળશે.