ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નો (Gujarat Assembly Election 2022) સમય નજીક આવી રહ્યો છે. જે પ્રમાણે આપણે વાત કરી ચૂક્યાં છીએ કે ચૂંટણી કે અન્ય રાજકીય બાબતોમાં આ પાટીદાર સમુદાય (Patidar Samaj) ગુજરાતની 182માંથી 70 જેટલી બેઠક ઉપર અસર કરી શકે છે. એટલે કે ગુજરાતમાં સત્તા બનાવવા, ટકાવવા કે બગાડવામાં તમામ બાબતોમાં પાટીદારો એક મહત્વનું ફેક્ટર છે અને આ બાબત દરેક રાજકીય પક્ષ અને તેના નેતા કે કાર્યકર્તાઓને સારી રીતે ખબર જ છે.
હવે આવી સ્થિતિમાં ચૂંટણી નજીક આવતા પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હરકતમાં આવે તે સામાન્ય બાબત છે. જેટલો પ્રભાવ લેઉવા પાટીદારોનો રાજકારણ પર છે, કડવા પાટીદારોનો (Kadava Patidar Samuday) પ્રભાવ પણ તેનાથી કંઈ ઓછો નથી. જે રીતે ગુજરાતના રાજકારણમાં ધાર્મિકસ્થળોનુ ખૂબ મહત્વ છે, તે રીતે કડવા પાટીદારો તરફથી ઉમિયાધામનુ (Umiyadham) મહત્વ ખૂબ વધારે છે.
ટૂંકમાં એમ કહી શકાય છે કે કડવા પાટીદારોના કુળદેવી ગણાતા માં ઉમિયાનુ મંદિર (Umiya Mataji) ઉમિયાધામ પણ રાજકારણમાં ખૂબ જ મહત્વનું છે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ઉમિયાધામ ટ્રસ્ટ અને પાટીદારોના કનેક્શનનની કેવી અસર પડી શકે છે અને ઉમિયાધામ ટ્રસ્ટ કેટલુ મહત્વનું છે તે વિશે એક ટૂંકી ચર્ચા કરીએ.
શું છે ઉમિયાધામ (Umiyadham Temple)
દેવી શ્રી મા ઉમિયા કડવા પાટીદાર સમાજની કુળદેવી છે અને તે બ્રહ્માંડની સર્વશક્તિમાન દેવી છે. મા ઉમિયાએ આ બ્રહ્માંડને માતા તરીકે જન્મ આપ્યો છે. વિશ્વમાં જ્યાં પણ શક્તિ છે, ત્યાં સ્ત્રોત તરીકે મા ઉમિયા છે; તે માત્ર શક્તિ અને દિવ્યતા આપનાર છે. પાટીદારોની કુળદેવી માં ઉમિયાનું મંદિર જેને ઉમિયાધામ તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાતના મહેસાણાના ઉંઝામાં આવેલું છે.
ઉમિયાધામનુ નિર્માણ ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. જો કે કહેવામાં આવે છે કે આ મંદિરનુ નિર્માણ 1200 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને લગભગ 100 વર્ષ પહેલા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઉંઝા સિવાય પણ અન્ય સ્થળોએ ઉમિયાધામ આવેલું છે. કડવા પાટીદાર સમુદાય ગુજરાતના અમદાવાદમાં ઉમિયા ધામ સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. સંકુલમાં મંદિર, તબીબી સુવિધાઓ, એક વિદેશી ભારતીય ગેસ્ટહાઉસ, કોન્ફરન્સ રૂમ, વરિષ્ઠ નાગરિક સંભાળ સુવિધાઓ, છોકરાઓ અને છોકરીઓ માટે હોસ્ટેલ, મનોરંજન અને રમતગમતની સુવિધાઓ, કારકિર્દી અને વ્યવસાય વિકાસ સુવિધાઓનો સમાવેશ થશે. જણાવી દઈએ કે 74000 ચોરસ યાર્ડની જમીન પર રૂ. 1500 કરોડના ખર્ચે આ સંકુલનુ નિર્માણ કરવામાં આવશે.
ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ સામાજિક પ્રવૃતિઓ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (World Umiya Foundation) લોકોની સેવા કરવામાં અગ્રેસર છે. કોરોના કાળ સમયે સંસ્થા દ્વારા સેવા કાર્યો ઉપરાંત અલગથી અંદાજે રૂ. 11 કરોડ જેટલી રકમ જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્ર સાથે સંસ્થાએ કોવિડના સમયમાં વાપરી અને સેવાકાર્યની શરૂઆત કરી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા તરફથી ગત વર્ષે લોકડાઉનમાં જરૂરિયામંદોને રાશન કિટનું વિતરણ કરાયું હતું.
બીજી લહેરમાં અમદાવાદના નારણપુરા વિસ્તારના ડી.કે. પટેલ હોલમાં 120 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં દર્દીઓને વિનામૂલ્યે કોવિડની સારવાર કરવામાં આવી હતી, જેમાં 500થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે, સાથે-સાથે સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય પણ કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ કે નોકરી-ધંધા અર્થે જતી હોય અને જો તેમને કેનેડામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો પણ સંસ્થા તરફથી મદદનો હાથ લંબાવવામાં આવે છે.
ઉમિયાધામનું રાજકારણમાં કેટલું છે મહત્વ (Importance of Umiyadham in politics)
દરેક વખતે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક પક્ષ અને તેના અગ્રણીઓ ભક્તિમય બની જતા હોય છે. જો કે પક્ષ દ્વારા તેને કોઈ દિવસ રાજકીય કે ચૂંટણીલક્ષી મુલાકાતો ગણાવવામાં આવતી નથી. પણ જનતા અને રાજકીય વિશ્લેષકો આ પાછળની હકીકતથી વાકેફ હોય જ છે.
છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં પાટીદારો હવે એક મંચ પર આવી ગયા છે અને ગુજરાતમાં પાટીદારને અગ્રણી બનાવવાની વાત પર ભાર આપી રહ્યાં છે. એવામાં પાટીદારો કોઈપણ પક્ષ માટે એક સારો અને મજબૂત ટેકો અને મોટી વોટબેન્ક બની શકે છે. જો સત્તામાં આવવુ હોય કે પછી સત્તામાં ટકી રહેવું હોય તો પાટીદારોને ખુશ કરવા જરૂરી છે.
વર્ષ 2015માં જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. પાટીદારો એક થઈ જતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. એવામાં ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષો જાણે છે કે પાટીદારોના મત મેળવવા માટે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અને ખોડલધામ ટ્રસ્ટ જરૂરી ફેક્ટર છે.
ખોડલધામ ટ્રસ્ટ તરફથી તો રાજકારણમાં પ્રવેશની પહેલ કરી દેવામાં આવી છે. એવામાં હવે ઉમિયાધામ ટ્રસ્ટ તરફથી પક્ષને કઈ રીતે ફાયદો થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી છે. જે અંતર્ગત હવે અમદાવાદના સોલા વિસ્તારમાં ઉમિયાધામનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે શીલાન્યાસના કાર્યકર્મમાં 13 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વર્ચુઅલ હાજરી આપવામાં આવી હતી.
આ રાજકીય નેતાઓના છે ઉમિયાધામ સાથે સંબંધ
ઉમિયાધામના રાજકારણ સાથે સીધા સંબંધ છે તેમ કહી શકાય. અમદાવાદના દરક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ ઉંઝા ઉમિયા ધામના પ્રમુખ પદે નીમાયેલા છે. ઉંઝા ઉમિયા ધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે. પહેલાની વાત કરવામાં આવે તો મણીભાઈ પટેલ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાનાં પ્રમુખ હતા. આ સિવાય આર પી પટેલ, દશરથભાઈ પટેલ પણ ઉમિયાધામ સાથે જોડાયેલા મોટા નામો પૈકી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પોતે ઉમિયામાતા સંસ્થાનમાં મોટા દાતા છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને રાજકારણ
પાટીદારોના બન્ને ટ્રસ્ટ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ખોડલધામનુ નામ પાટીદાર આંદોલન સમયે અને પછી તેને લગતી બાબતોમાં આગળ પડતુ રહ્યું છે. થોડા સમય પહેલા જ તેમના દ્વારા પાટીદાર આંદોલન દરમિયાન યુવાનો પર થયેલા કેસોને પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા માંગ કરવામાં આવી છે.સરકારને ઊંઝા ઉમિયાધામ સંસ્થાને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે કહ્યું કે સરકારે સમાધાનના ભાગરૂપે થયેલી શરતનું પાલન નથી કર્યું. સમાધાનના ભાગરૂપે પોલિસે કેસ પરત ખેંચવાની શરત કરી હતી, જો કે કેસ પરત ખેંચવામાં આવ્યા નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Umiyadham