Gujarat Elections 2022:ભાજપના આગેવાન રજની પટેલનો જન્મ મોઢેરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોઢેરા વોટર શેડ ગ્રુપ-1ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
Gujarat Elections 2022:ભાજપના આગેવાન રજની પટેલનો જન્મ મોઢેરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોઢેરા વોટર શેડ ગ્રુપ-1ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Elections 2022) ચૂંટણીને ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાય તેવા સંકેતો છે. ગુજરાતની ચૂંટણી પર આખા દેશની નજર રહેશે. ગત ચૂંટણી જેવી જ રસાકસી આગામી ચૂંટણીમાં જોવા મળી શકે છે. યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને બાયબાય કહી દીધા બાદ હવે સમીકરણોમાં થોડો ફેર પડ્યો છે અને પાટીદારોના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર તમામ પક્ષોએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પક્ષો દ્વારા પાટીદાર નેતાઓને પણ સક્રિય કરી દેવાયા છે.
ભારતીય જનતા પાર્ટીમાં ઘણા પાટીદાર નેતાઓ અને કાર્યકરો છે. જેથી પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર હતી તે સમયે ભાજપ હારી જશે, તેવી ચર્ચાઓ વચ્ચે પણ ભાજપના પાટીદાર નેતાઓએ ચૂંટણીમાં રંગ રાખ્યો હતો.
આ નેતાઓ અને કાર્યકરોએ મહત્વની બેઠકો પર ભાજપને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આગામી ચૂંટણીમાં પણ આવું જ થાય એવા સંકેત છે. ભાજપે ટોચના નેતાઓને કામે લગાડી દીધા છે. જેમાં પાટીદાર નેતા પૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલ (રજની પટેલ) પણ સામેલ છે.
વર્તમાન સમયે ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા રજની પટેલને શક્તિશાળી નેતા માનવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતમાં સત્તાધારી ભાજપે વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેના કાર્યકરો અને ટેકેદારો પાસેથી રૂ. 200 કરોડથી વધુની રકમ ઉઘરાવવાની યોજના બનાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે પારદર્શકતા જળવાઈ રહે તે માટે પક્ષને અપાતા દાનનો માત્ર ચેક દ્વારા જ સ્વીકાર કરાશે તેમ પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું.
આ અંગેનો નિર્ણય ગાંધીનગરમાં પ્રદેશ એકમના વડા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી ભાજપની કારોબારી સમિતિની બેઠક બાદ પટેલની જાહેરાત કરવામાં આવ્યો હતો.
અગાઉ 2012માં ગુજરાતમાં 13મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રજની પટેલ બેચરાજી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન દરમિયાન મહેસાણામાં રજની પટેલનો બંગલો સળગાવવામાં આવ્યો હતો, જે બાદમાં તેમણે વેચી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોરનું નામ અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય સેના સાથે પણ જોડાયું હતું.
અગાઉ તેમણે 12મી વિધાનસભામાં ચાણસ્મા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેચરાજી સામાન્ય વર્ગનો મતવિસ્તાર છે. ગુજરાતની એક મહત્વની શકિતપીઠના નામે જાણીતી મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકનો સમાવેશ પહેલાં ચાણસ્મા વિધાનસભામાં બેઠકમાં થતો હતો. બેચરાજી વિધાનસભા બેઠકમાં બેચરાજી તાલુકા ઉપરાંત મહેસાણા જીલ્લાના 72 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક કુલ મતદારોની સંખ્યા 2.73થી વધુ છે. જેમાં 1.24 લાખ પુરુષ મતદારો છે. જયારે 1.13 લાખ મહિલા મતદારો છે.
રજની પટેલનું રાજકીય જીવન
ભાજપના આગેવાન રજની પટેલનો (Ranjani Patel) જન્મ મોઢેરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોઢેરા વોટર શેડ ગ્રુપ-1ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેમણે FY બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
તેઓ કોલેજ કાળ દરમિયાન રાષ્ટ્રીય જનસંઘ સંઘના સંપર્કમાં આવ્યા હતાં અને ત્યાંથી તેમના જાહેરજીવનનો પ્રારંભ થયો. તેઓ વિશ્વ હિંદુ પરિષદ, કિસાન સંઘમાં પણ રહી ચૂક્યા છે. તેઓ 1996-97માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતા. ત્યારબાદ તેમણે ચાણસ્મા વિધાનસભામાં યુવા મોરચામાં ખજાનચી તરીકેની જવાબદારી સંભાળી હતો અને પાર્ટીમાં પાટણ જિલ્લામાં સંગઠન મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તેઓ શરૂઆતથી જ ખૂબ ઉત્સાહી કાર્યકર હતા. તેમણે પોતાના વિસ્તારમાં ભાજપને મજબૂત બનાવવા ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે તેમને મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારીસોંપવામાં આવી હતી. તેમણે ભાજપને વિચારધારાને વળગીને કામ કરતા 10 વર્ષ બાદ તેમના નસીબ ચમક્યા હતા. વર્ષ 2007માં તેમને ચાણસ્મા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી હતી.
જ્યાં રજનીકાંત પટેલે હરીફ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 15000થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. બાદમાં બેચરાજી વિધાનસભા 2012માં અસ્તિત્વમાં આવતા તેમણે ત્યાં પણ નસીબ અજમાવ્યું હતું અને તે સમયે ચૂંટણીમાં બેચરાજી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 6000 કરતા વધુ મતોથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો.
2017માં પણ ભાજપે બેચરાજી મત વિસ્તારમાંથી પટેલ રજનીકાંત સોમાભાઈને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોરે રાજ્યની સૌથી લોકપ્રિય બેઠકો પૈકીની એક બેચરાજી બેઠક પરથી પોતાના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15,811 મતોથી હરાવ્યા હતા. પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલ સામે કોંગ્રેસે નવા ચહેરા ભરત ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદાર આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત આ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ રજની પટેલને ટિકિટ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે રજની પટેલે પોતાની સંપત્તિ અંગે જાણકારી આપી હતી. જે મુજબ તે સમયે તેમના હાથ પર રૂ. 2.25 લાખ અને તેમના પત્ની સરોજબેનના હાથ પર રૂ. 1.20 લાખ જેટલી રકમ હતી. આ ઉપરાંત તેમના બેંક એકાઉન્ટ, સેવિંગ સ્કીમ સહિતના સ્થળોએ રોકાણ હતું. તેમની પાસે મારુતિ 800, મહિન્દ્રા ડયુરો સ્કૂટર, સ્કોડા ફાબિયા સહિતના વાહન હતા. આ ઉપરાંત તેમની પાસે રૂ. 21 લાખના ઝવેરાત હતા. તેઓના નામે અલગ અલગ સ્થળોએ જમીનો પણ છે. આંકડા મુજબ તેમની પાસે 1945000ની સ્વપાર્જીત મિલકત, 264500ની સ્થાવર મિલકત સહીતની સંપત્તિ હતી.
અગાઉ જીતુ વાઘાણી બાદ રજની પટેલને તેમના સ્થાને મુકવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. તે સમયે ગ્રામ્ય લેવલથી લઇને તાલુકા સુધી, તાલુકાથી જિલ્લા સુધી, જિલ્લાથી, સમગ્ર ગુજરાત પ્રદેશ સુધી તમામ જગ્યાએ સંગઠનમાં પરિવર્તનના એંધાણ હતા. અલબત્ત તેમને તે જવાબદારી સોંપાઈ નહીં.
થોડા મહિનાઓ પહેલા ઈતિહાસમાં પહેલીવાર યોજાયેલી બેચરાજી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના અગ્રણી વિઠ્ઠલભાઈ લાટીવાળાને હરાવવા ભાજપના જ પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ જૂથ મેદાને પડયું હતું. ભારે ઉત્તેજના અને રસાકસી ભર્યા માહોલ તેમજ ક્રોસ વોટિંગના કારણે અનેક ચઢાવ ઉતાર બાદ ચેરમેન જૂથના 7 તેમજ હરીફ રજની પટેલ સહિત જૂથના 3 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, દાયકોઓથી રાજકારણમાં અને સેવાકીય કાર્યોમાં સક્રિય રહેલા રજની પટેલના અનેક અનુયાયીઓ છે. ગત ચૂંટણીમાં મળેલા પરાજયને ખંખેરી તેઓ હવે વ્યાપક સ્તરે સક્રિય છે અને વધુ મહેનત કરી રહ્યા છે.