કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને તેઓ 2019માં ભાજપમાં જોડાયેલા ઉંઝા ધારાસભ્ય આશાબહેન પટેલનું 12 ડિસેમ્બર 2021ની સવારે સારવાર દરમિયાન અમદાવાદમાં અવસાન થયું હતું. જે બાદ પેટા ચૂંટણી થઇ નથી.
કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને તેઓ 2019માં ભાજપમાં જોડાયેલા ઉંઝા ધારાસભ્ય આશાબહેન પટેલનું 12 ડિસેમ્બર 2021ની સવારે સારવાર દરમિયાન અમદાવાદમાં અવસાન થયું હતું. જે બાદ પેટા ચૂંટણી થઇ નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) નજીકમાં છે, ત્યારે ગુજરાતના રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લા (Mahesana district) પર સૌની નજર છે. આ વિસ્તારમાં હાલ તો ભાજપ (BJP)નો દબદબો છે અને આગામી ચૂંટણીમાં કંઈક નવાજૂની થાય તેવા એંધાણ છે. મહેસાણા હેઠળ આવેલી ઊંઝા વિધાનસભા બેઠક (Unjha Assembly Constituency) પર આગામી ચૂંટણીમાં સૌની નજર રહેશે. આ બેઠક પર કોંગ્રેસ પણ જોર લગાવી રહી છે અને 2017ની ચૂંટણીમાં આ બેઠક કબજે કરવામાં તે સફળ પણ રહી હતી. પરંતુ સત્તા લાંબો સમય જાળવી શકી નહીં.
ઊંઝા વિધાનસભા બેઠક છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ સમાચારોમાં રહી છે. આ વિધાનસભા બેઠક પર 38 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. પાટીદાર આંદોલનથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં ઘણું રાજકીય પરિવર્તન આવ્યું છે. ઊંઝાને ગુજરાતના રાજકારણના કેન્દ્ર સમાન ગણવામાં આવે છે. આ વિસ્તાર ઉમિયા માતાજી સંસ્થાન અને ઊંઝા માર્કેટિંગ યાર્ડના કારણે વધુ જાણીતો બન્યો છે. આ સાથે જીરું વરિયાળીના પાક અને જથ્થાબંધ બજારમાં વેપારથી પણ ઓળખવામાં આવે છે.
ક્યાં વિસ્તારો બેઠક હેઠળ આવે છે?
ઊંઝા વિધાનસભા મત વિસ્તાર મહેસાણા લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શારદાબેન અનિલભાઈ પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એ.જે.પટેલને હરાવીને 281519 મતોના માર્જિનથી જીત મેળવી હતી.
આ વિધાનસભા બેઠક હેઠળ ઊંઝા તાલુકો અને વડનગર તાલુકો (ભાગ) તેમજ જસકા, સુંઢિયા, હાજીપુર, શેખપુર (ખે), બદરપુર, મોલીપુર, સુલીપુર, કેસિમ્પા, જગાપુરા, બાજપુરા, બાબીપુરા, ખટોડા, કમલપુર, મલેકપુર, ચાંદપુર, શેખપુર (વડ), કાહીપુર, છાબલિયા, ટ્રાન્સવાડ, વડનગર ગામનો સમાવેશ થાય છે.
ધારાસભ્યના નિધન બાદ પેટાચૂંટણી નથી થઈ
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીતેલા આશા પટેલે ખાસ સ્થાન બનાવી લીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડીને તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા.
ભાજપે ઊંઝાથી જ ડો. આશા પટેલને ટીકીટ આપી હતી અને તેઓ 23 હજારથી વધુ મતોએ જીત મેળવીને સત્તામાં આવ્યા હતા. આ દરમિયાન ઉંઝા ધારાસભ્ય આશાબહેન પટેલનું 12 ડિસેમ્બર 2021ની સવારે સારવાર દરમિયાન અમદાવાદમાં અવસાન થયું હતું.
સામાન્ય તાવથી શરૂ થયેલી એમની માંદગી એટલી ઝડપભેર આગળ વધી કે ડેન્ગ્યૂનું નિદાન થયાના ગણતરીના કલાકોમાં તેમના શરીરના મહત્ત્વના અવયવો એક પછી એક કામ કરતા બંધ થયા હતા.
ઉંઝામાં પ્રાથમિક તબક્કાની સારવાર પછી વેન્ટીલેટર પર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ કોઈ સારવાર કારગત નીવડે એમ નહોતી. તેમના નિધન બાદ આ બેઠક પર પેટા ચૂંટણી થઈ નથી.
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ?
182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો જળવાયેલો રહેતો નથી! જેથી આ આંકડાને અપશુકનિયાળ માનવામાં આવે છે.
ભૂતકાળમાં કોઇ ધારાસભ્યનું રાજીનામું આપવાથી અથવા નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો હોય તેવા ઘણા બનાવ બન્યા છે. ડો. આશાબેનના નિધન સમયે પણ સ્થિતિ આવી જ હતી. ઊંઝા અને દ્વારકા બેઠક ખાલી હતી.
નારણ પટેલનું હતું એકહથ્થુ શાસન
ઊંઝા બેઠક પરથી નારણ પટેલ વર્ષ 1995થી સતત 5 વખત ધારાસભ્ય તરીકે જીત્યા હતા. તેઓ સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે જબરું બળ ધરાવતા હતા. જોકે, વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશા પટેલ સામે તેમનો પરાજય થયો હતો.
આ ઉપરાંત ઊંઝા માર્કેટ યાર્ડ પર 21 વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત આવ્યો હતો. ઊંઝા ધારાસભ્ય ડો. આશા પટેલ સર્મથિત વિકાસ પેનલે ખેડૂત અને વેપારી એમ બંને પર કબજો જમાવ્યો હતો. જેથી નારણ લલ્લુના છેલ્લા 1986થી ચાલતા શાસન પર વિરામ મૂકાયું હતું.
પોતે ધારાસભ્ય રહ્યા તેવા સમયે પણ તેમણે માર્કેટ યાર્ડની ધૂરા પોતાના હાથમાં રાખી હતી. જ્યારે તેમનો સિતારો ચાંદ પર હતો ત્યારે પુત્ર ગૌરાંગને ઊંઝા યાર્ડના ચેરમેન બનાવીને પોતાનું શાસન જાળવી રાખ્યું હતું.
ભૂતકાળની ચૂંટણીના પરિણામ
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2019
ડો. આશા પટેલ
ભાજપ
2017
ડો. આશા પટેલ
કોંગ્રેસ
2012
નારણ પટેલ
ભાજપ
2007
નારણ પટેલ
ભાજપ
2002
નારણ પટેલ
ભાજપ
1998
નારણ પટેલ
ભાજપ
1995
નારણ પટેલ
ભાજપ
1990
ચીમનભાઈ પટેલ
JD
1985
ચીમનભાઈ પટેલ
JNP
1980
કાનજી પટેલ
JNP
1975
કાંતિ પટેલ
IND
1972
શંકરલાલ ગુરુ
કોંગ્રેસ
1967
પી એસ મોહનલાલ
SWA
1962
અંબાલાલ પટેલ
કોંગ્રેસ
ડો. આશાબેન હતા જાયન્ટ કિલર
ડો. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉપસી આવેલા આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.
તેઓ જાયન્ટ કિલર ગણાવા લાગ્યા હતા. પણ શરૂઆતથી જ કૉંગ્રેસમાં તેમની કોઈ ગણના નહોતી થતી. એથી ચૂંટાયાના તેર જ મહિનામાં 2 ફેબ્રુઆરી 2019ના રોજ રાજીનામાના બે પત્રો લખ્યા હતા. એક પત્ર ધારાસભ્ય પદેથી અને બીજો કૉંગ્રેસમાંથી રાજીનામાનો હતો.
ઊંઝા બેઠક પર હાર્દિક લડવાનો હતો ચૂંટણી
ઊંઝા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણી સમયે ઊંઝા વિધાનસભાન મત વિસ્તારોમાં હાર્દિક પટેલને અનુલક્ષીને પોસ્ટરો લગાવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં 21- ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં યુવા દિલોની ઘડકન હ્રદય સમ્રાટ એવા હાર્દિક પટેલ આવે છે, તેવું લખાણ જોવા મળ્યું હતું.
ઊંઝા બેઠક પરથી અનાર પટેલની એન્ટ્રી થશે?
ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ વિધાનસભાની ચૂંટણી 2022માં ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઇ રહી છે. ભાજપ તેમને મહેસાણા, ઊંઝા અથવા વિસાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.
આ ત્રણેય બેઠકો ઉત્તર ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક ગણાય છે, જો ભાજપ મહેસાણાથી અનાર પટેલને ઉમેદવાર બનાવે છે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટિકિટ કપાઈ શકે છે. જો અનારને બેચરાજીથી ટિકિટ મળે તો પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રજની પટેલની ટિકિટ કપાઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને ઊંઝા બેઠક પરથી ટિકિટ અપાઈ શકે છે.
અહી ઉલ્લેખનિય છે કે, ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપના વૉટશેરમાં મોટી વધઘટ જોવા મળી રહી છે. આમ પણ આ થોડા વર્ષોથી રાજકીય રીતે અસ્થિર કહી શકાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 40. 71 ટકા રહ્યો હતો. પેટા ચૂંટણીમાં શેર થોડો વધ્યો હતો. જ્યારે 2012માં તે 55.78 ટકા હતો.