Home /News /mehsana /Gujarat election 2022: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?
Gujarat election 2022: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?
Nitin Patel profile: ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો.
Nitin Patel profile: ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly Election 2022) ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનુ (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા 65 વર્ષીય નીતિન પટેલનુ આખુ નામ નીતિન રતિલાલ પટેલ છે.
નીતિન પટેલનો પરિવાર તેમના દાદાના સમયથી જ શ્રીમંત ગણાતો હતો. આ પરિવારમાં નીતિન પટેલનો ઉછેર થયો અને બી.કૉમની બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા તે પરિવારના વ્યવસાય સાથે જોડાયા હતા.
નીતિન પટેલના લગ્ન શ્રીમતિ સુલોચનાબેન પટેલ સાથે થયા હતા. તેમને જૈમિન અને સની નામે બે સંતાન છે. તેમના પરિવારમાં મોટા પુત્ર જૈમીનભાઇ, પુત્રવધુ ઝલકબેન, પૌત્રી વૈશ્વી તથા નાના પુત્ર સનીભાઈ છે. નીતિન પટેલને વાંચન અને સમાજસેવી કાર્યો એટલે કે સમાજસેવાનો શોખ છે. ભાજપના શરૂઆતી દિવસોથી જ નીતિન પટેલ પક્ષ સાથે પાયાના કાર્યકર તરીકે જોડાયેલા છે.
આટલી સંપત્તિના માલિક છે નીતિન પટેલ
વર્ષ 2016-17ની ચૂંટણી દરમ્યાન પોતાની ઉમેદવારી નોંધાવતી વખતે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતાના સોગંદનામામાં પોતાની, પત્ની અને પરિવારની સ્થાવર અને જંગમ મિલ્કત વિશેની વિગતો જાહેર કરી હતી. જે અનુસાર નીતિન પટેલની કુલ વાર્ષિક આવક રૂ. 11,73,780 હતી. આ સાથે જ તેમની પત્નીની વાર્ષિક આવક રૂ. 200,204 જ્યારે પારિવારિક આવક રૂ. 1,98,540 હતી.
સોગંદનામામાં જંગમ મિલકતોની માહિતીના આધારે નીતિન પટેલની હાથ પરની રોકડ રૂ. 3,34,872 હતી. આ સિવાય બેન્કમાં થાપણો રૂ. 1,86,751, રૂ. 94,830ની કિંમતના શેર, રૂ. 2,08,399ની એલઆઈસી વીમા પોલિસી, બેન્ક ઓફ ઈન્ડિયામાં પીપીએફ રૂ. 12,25,627 અને અન્ય સહિત કુલ રૂ. 1,01,49,021ની સંપત્તિ છે.
તેમની પત્નીની સંપત્તિની વાત કરીએ તો સોગંદનામામાં જણાવ્યા અનુસાર, તેમની પત્નીની હાથ પરની રોકડ રૂ. 67,322 છે. આ સિવાય રૂ. 4,75,994ની બેન્કમાં થાપણો, શેરના રોકાણ રૂ. 10,24,140, રૂ. 14,33,026ની વીમા પોલિસીના રોકાણ સહિત 2 વાહનો, રૂ. 37,50000 કિંમતનું 125 તોલા સોના અને અન્ય સહિત કુલ રૂ. 98,13,988ની સંપતિ છે.
આ સાથે જ નીતિન પટેલની સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો તેમની પાસે કુલ રૂ. 3,94,15,517ની સ્થાવર મિલકત છે. તેમની પત્ની પાસે કુલ રૂ. 2,55,74,589ની સ્થાવર મિલકત છે.
આવી છે નીતિન પટેલની રાજકીય સફર (Nitin Patel's Political Journey)
સૌ પ્રથમ વખત વર્ષ 1974માં કડી તાલુકા નિર્માણ કમીટીના મહામંત્રી તરીકે તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વર્ષ 1977માં તે પ્રથમ વખત કડી નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 1884માં તે એપીએમસીના ડિરેક્ટર તરીકેની પણ ફરજી બજાવી ચૂક્યા છે. 1988-90માં તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજી વખત ચુંટાયા તથા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ.ઓ. બેંક, મહેસાણાના ડિરેક્ટર તરીકે ચુંટાઈ સળંગ 8 વર્ષ માટે જવાબદારી સંભાળી હતી.
આ પછી વર્ષ 1990માં નીતિન પટેલ પ્રથમ વખત કડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને વર્ષ 1991-92માં ગુજરાત નગરપાલિકા પરિષદના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.
ભાજપના શરૂઆતના દિવસોથી જ નીતિન પટેલ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ 1995માં તેમની આરોગ્ય વિભાગના કેબીનેટ મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી અને તેમણે સહર્ષ આ કારભાર સંભાળ્યો. જેના લગભગ 2 વર્ષ બાદ જ પ્રથમ વખત નીતિન પટેલને વર્ષ 1997-98માં મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ તે મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય નેતા બન્યા છે.
આ બાદ તેમની રાજકીય કારકિર્દીએ જોર પકડ્યું અને તે 1999માં માર્ગ અને મકાન વિભાગ, નાનીઅને મધ્યમ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, 2001માં નાણાં વિભાગના કેબીનેટ મંત્રી, 2002 માં મહેસૂલ વિભાગના કેબીનેટ મંત્રી, 2007શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી રહ્યાં છે.
2012માં મહેસાણા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય અને ગૃહમાં નાણાંમંત્રી, આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ અને વાહનવ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રી, 2014માં આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના, વાહનવ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે.
વર્ષ 2016માં પાટીદાર આંદોલન પછી સર્જાયેલી રાજકીય સ્થિરતાને પગલે આનંદીબેન પટેલે રાજીનામુ આપ્યા બાદ ગુજરાતના નવા સીએમની અંગે અનેક અટકળો જોવા મળી રહી હતી. ત્યારે ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ક્રયરત અને કાર્યનિષ્ઠ એવા નીતિન પટેલનું નામ મોખરે હતું. છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલ સરકારમાં અનેક ખાતાઓમાં મંત્રી તરીકે સફળ કામ કરી ચૂક્યા છે. સાથે જ સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે.
નીતિન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં પણ સામેલ છે. તેમની 30 વર્ષની રાજકીય સફરના અનુભવને લઈને સીએમ તરીકે નિયુક્ત કરવામાં આવે એવું રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું હતું. જો કે તમામ અટકળો અને નીતિન પટેલની આશા અપેક્ષાઓ પર પણ પાણી ફરી વળ્યું અને નીતિન પટેલને ગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકેનો પદભાર આપી વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા.
વર્ષ 2028માં પણ સીએમના ચહેરોઓના નામની લિસ્ટમાં તે મોખરે રહ્યાં, જો કે ફરી એક વખત તેમના મોઢે આવેલો કોળીયો જતો રહ્યો અને ફરી વખત તેમને ડેપ્યુટી સીએમ તરીકે જ સંતોષ કરવો પડ્યો હતો.
નીતિન પટેલ અને વિવાદોનો છે જૂનો સંબંધ
નીતિન પટેલને સીએમ પદ ન મળવાને કારણે તેમની નારાજગી ઘણી વખત શબ્દોના રૂપમાં સપાટી પર આવતી હોય છે અને અવારનવાર તેમના વર્તનમાં પણ તે દેખાતું હોય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ફરી એકવાર જ્યારે તેમના નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર આપવામાં આવ્યો સાથે જ તેમને મન ગમતા ખાતાની ફાળવણી પણ ન કરવામાં આવતા નારાજ નીતિન પટેલે શપથ બાદ પણ પોતાના કાર્યાલયે જઈ ચાર્જ સંભાળ્યો ન હતો. આ એ સમય હતો, જ્યારે પ્રથમ વખત તેમની નારાજગી સપાટીએ આવી હતી.
આ જ રીતે નીતિન પટેલ પોતાના નિવેદનોને લઈને પણ વિવાદમાં ઘેરાઈ ચૂક્યા છે. હિંદુત્વ મામલે આપવામાં આવેલા તેમના એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી હિંદું બહુમતી (Hindu Majority) છે, ત્યાં સુધી જ દેશમાં સંવિધાન (Constitution), લોકતંત્ર ( Democracy), કોર્ટ કચેરી (Court) વગેરેની હયાતી છે.
જો આજથી એક હજાર અથવા વધારે વર્ષો બાદ હિંદુ બહુમતીમાં નહીં હોય અને બીજા ધર્મના લોકો ભારતમાં બહુમતીમાં આવી જશે તો લોકતંત્ર, લોકસભા, સંવિધાન વગેરે દફનાવી દેવાશે. આ પ્રકારના નિવેદનને કારણે નીતિન પટેલ લોકોના નિશાના પર આવી ગયા હતા.
નીતિન પટેલે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવા દરમિયાન ગુજરાતી પરિવારના 4 લોકોના મોત અંગે મોટું નિવેદન આપ્યું હતું. પટેલે કહ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહીં તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.
આ સિવાય સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ વિરુધ્ધ કરવામાં આવેલા તેમની નિવેદનને લઈને પણ તે વિપક્ષના નિશાના પર આવ્યા હતા. પોતાના આ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલના ગુણોનુ અવનુલ્યન કરે છે અને ડેમનું સપનુ ભાજપે સાકાર કર્યું છે.
નીતિન પેટલની લોકપ્રિયતા (Popularity of Nitin Patel)
નીતિન પટેલના કેટલાક ગુણો એવા પણ છે, જેના કારણે તે હજુ પણ પાર્ટીમાં મજબૂત છે. દેશમાં ભાગ્યે જ કોઈ અન્ય નાયબ મુખ્યમંત્રી એવા હશે, જે પોતાનો જાહેર મોબાઈલ નંબર જાતે જ ઉપાડે. જો કોઈ સામાન્ય નાગરિક નીતિન પટેલને ફોન કરે તો તેના પીએ ભાગ્યે જ ફોન ઉપાડશે, જો તેઓ બેઠકમાં ન હોય તો નીતિન પટેલ પોતે તેમનો ફોન ઉપાડશે. જનતા સાથે સીધો સંપર્ક ધરાવતો ભાજપમાં આવો કોઈ નેતા નથી.
તે ઉપરાંત તેઓ ભલે મુખ્યમંત્રી ન બની શક્યા હોય પરંતુ હંમેશા ગુજરાતના વિવિધ સ્થળેથી નીતિન પટેલની ઓફિસની મુલાકાત લેનારા લોકોની સંખ્યા અન્ય કોઈ પણ મંત્રી કરતા વધારે હોય છે. જનતા મુલાકાતના દિવસે ગમે તેટલો સમય જાય પરંતુ નીતિન પટેલને મળવા આવેલા વ્યક્તિની તેમની સાથે મુલાકાત તો થઈ જ જાય છે. આમ વહિવટમાં ભાજપના સૌથી વધુ પકડ ધરાવતા નેતા પણ નીતિન પટેલ જ હોવાનું કહેવાય છે.
શું નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી જશે?
વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્ય મંત્રી પદ માટે ચર્ચાઈ રહેલાં નામોમાં નીતિન પટેલનું નામ પણ હતું.
બેઠક બાદ નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નીતિન પટેલ એક વખત ફરીથી મુખ્ય મંત્રી બનવાથી ચૂકી ગયા. અગાઉ આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે પણ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ તે સમયે વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર થયું ત્યાર બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું. તેમણે નિવેદનમાં કહ્યું હતું, "હું લોકોના દિલમાં રહું છું અને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે. હું એકલો નથી જેમની બસ છૂટી ગઈ છે, પરંતુ મારા જેવા બીજા કેટલાય પણ છે."
રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં નવા પ્રયોગ હેઠળ હાલના 59 ધારાસભ્યનાં નામ પર કાતર ફેરવાશે. પાર્ટીએ રાજ્યમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની સ્ટ્રેટેજી ઘડી કાઢી છે. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં મોટા ભાગના ચહેરા સાવ નવા હશે.
અલબત્ત, નવા ચહેરા તરીકે ભાજપ સંગઠનમાં વર્ષોથી કાર્યરત એવા લોકોને લાવશે, જેઓ અગાઉ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી ચૂંટણીમાં ઉંમરની સીમારેખા તરીકે 65 વર્ષની મર્યાદા નક્કી કરાઇ શકે છે. આ ઉપરાંત પાર્ટી અગાઉ ત્રણ કે ચાર વખત ચૂંટણી લડી ચૂક્યા હોય તેવા કોઇપણ નેતાને કે વર્તમાન ધારાસભ્યને હવે ટિકિટ આપશે નહીં.
આ અંગે નિવેદન આપતા નીતિન પટેલે કહ્યું હતું કે, અત્યારથી આ મુદ્દે કોઇ ચર્ચા કરવાની જરૂર નથી. જે દિવસે આ મુદ્દો મારી સમક્ષ આવશે એ અંગે એ દિવસે જણાવીશ. એવામાં એ બાબત અહીં સ્પષ્ટ થઈ જાય છે કે મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો જોયા બાદ રાજકીય ગલીયારાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે નીતિન પટેલની કારકિર્દી ખત્મ થઇ જવાના આરે છે, તેથી આગામી ચૂંટણીમાં પણ માત્ર પ્રચારક બની રહેશે.