Home /News /mehsana /Mehsana: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ, નેચરલ ફાર્મિંગ મિશન એ જન ચળવળ છે
Mehsana: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ, નેચરલ ફાર્મિંગ મિશન એ જન ચળવળ છે
કુરુક્ષેત્રનાં પ્રાકૃતીક ખેતી શિબિરમાં મહેસાણાનાં 45 ખેડૂતો જોડાયા
મહેસાણા જિલ્લાનાં 45 ખેડૂત ગુરુકુલ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી અને કુદરતી ખેતીની માહિતી મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, નેચરલ ફાર્મિંગ મિશન' દેશમાં એક મોટું જન ચળવળ બની રહ્યું છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના 45 ખેડૂતો ગુરુકુલ કુરુક્ષેત્ર પહોંચ્યા હતા અને કુદરતી ખેતીની માહિતી મેળવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે કુદરતી ખેતી એ એક સારો વિકલ્પ છે. જો આપણે આપણી દેશી ગાય, પાણી, જંગલ, જમીન અને આબોહવાને બચાવવી હોય તો કુદરતી ખેતી જ આનો એકમાત્ર ઉપાય છે. નેચરલ ફાર્મિંગ મિશન' દેશમાં એક મોટું જન ચળવળ બની રહ્યું છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી હજારો ખેડૂતો કુદરતી ખેતીમાં જોડાઈ રહ્યા છે.
યુરિયા, રાસાયણિક ખાતર અને ખેતરમાં વપરાતા રસાયણો ખોરાક અને ફળો અને શાકભાજી દ્વારા આપણા શરીરમાં જાય છે, જેનાથી કેન્સર, હાર્ટ એટેક, બીપી, સુગર જેવા ગંભીર રોગ થાય છે. આજે દેશની હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. આ બધું રાસાયણિક ખેતીનું પરિણામ છે. જો ખેડૂત કુદરતી ખેતી કરશે તો તેને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને સાથે સાથે દેશી ગાયનું પણ રક્ષણ થશે. તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અને અન્યોને તેની સાથે જોડવા હાકલ કરી હતી.
પાંચ લાખથી વધુ ખેડૂતો કુદરતી ખેતી સાથે જોડાયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, તેમના પ્રયાસોથી ગુજરાતમાં 5 લાખથી વધુ ખેડૂતો કુદરતી ખેતી સાથે જોડાઈને સીધો લાભ મેળવી રહ્યા છે. 200 લિટરનું એક ડ્રમ અને 10 લિટરના 2 ટબ સરકાર દ્વારા ખેડૂતોને જીવામૃત બનાવવા માટે માત્ર રૂપિયા 500માં સબસિડી પર આપવામાં આવે છે. આ ઉપરાંત દેશી ગાયની જાળવણી માટે દર મહિને 900 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
કૃષિ વિભાગના અધિકારીઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને કુદરતી ખેતી કરવા પ્રેરિત કરે છે અને હવે 'એક પંચાયત-75 ખેડૂતો'ની જાહેરાત સાથે દરેક ગ્રામ પંચાયતમાંથી 75 ખેડૂતોને કુદરતી ખેતીના ટ્રેનર બનાવવામાં આવી રહ્યા છે.
મહેસાણાનાં 45 ખેડૂતોએ ગુરુકુલમાં વિવિધ માહિતી મેળવી
ગુરુકુળના સંચાલક રામનિવાસ આર્યએ જણાવ્યું હતું કે, 16 થી 18 માર્ચ સુધી ચાલેલા ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના 45 ખેડૂતો ગુરુકુલ કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. આ ટીમમાં ખેડૂતોની સાથે મહેસાણા જિલ્લાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી જસુજી ચૌહાણ, ખેતીવાડી અધિકારી ગોસાઈ સચિન ગીરી અને કૌશિક પટેલ પણ ગુરુકુળમાં આવ્યા હતા અને સંપૂર્ણ તાલીમ લીધી હતી.
ડો.હરિઓમે ખેડૂતોને કુદરતી ખેતી વિશે વિગતવાર સમજાવ્યું, તેમની સાથે કૃષિ અધિકારી ડો.વિનોદ કુમાર, ડો.રામગોપાલ શર્મા, ડો. દિનેશ પણ ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત ઉત્પાદન પદ્ધતિનો પ્રેક્ટિકલ કરાવ્યો. ગુરુકુળમાં આવેલા ખેડૂતોએ કુદરતી ખેતી ફાર્મ, ગુરુકુળની ગૌશાળા, જીવામૃત નિર્માણ કેન્દ્ર, પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ કેન્દ્રની નજીકથી મુલાકાત લીધી હતી અને કુદરતી ખેતીને લગતી તમામ માહિતી મેળવી હતી.