કેતન પટેલ, મહેસાણા: દેશભરની જેમ મહેસાણા જિલ્લામાં પણ ઠેર-ઠેર ધામધૂમ પૂર્વક વિઘ્નહર્તા એવા શુભ કાર્યના પ્રથમ પૂજનીય ગણપતિ ગજાનંદ ભગવાનની પધરામણી કરવામાં આવી છે. તો દાદાને ગાર્ડ ઓફ ઓનર થકી પોલીસ દ્વારા અપાતી સલામીની વર્ષો જૂની પરંપરા આજે પણ અહીં યથાવત જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ઠેર ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે આ પવિત્ર પર્વ પર ગાયકવાડી સમયના વર્ષો જૂના મહેસાણાના ગણેશ મંદિરે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સાવરથી શહેરના અગ્રણી નાગરિકો અને નેતાઓની ઉપસ્થિતીમાં ગણપતિ દાદાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી પૂજન અર્ચન અને સમૂહ આરતી કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, આ પર્વ પર ગાયકવાડ સરકારથી ચાલી આવતી ગાર્ડ ઓફ ઓનરની વર્ષો જૂની પરંપરા આજે પણ અહીં જોવા મળી હતી. જેમાં મહેસાણાના પોલીસ જવાનો દ્વારા દાદાને સન્માન પૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપી સલામી અપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ સન્માન ગણેશજીને ગુજરાતમાં એક માત્ર મહેસાણામાં અપાતું હોઈ મોટી સંખ્યામાં લોકો ગણેશ ઉત્સવની આ પળને જોવા ઉમટી પડે છે. સાથે અહીં આજથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં પ્રતિદિન વિવિધ ભજન કીર્તન અને ડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.