મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણાના કડીમાં જહોન્સન-હિટાચી એર કન્ડીશનીંગના ભારતમાં સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતાં ગૌરવ સહ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ સંકલ્પને કડીના આ સેન્ટરમાં ભારતીય-ગુજરાતી ઇજનેરો વિદેશી ટેકનોલોજીના જ્ઞાનવર્ધનથી સાકાર કરવાના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાંસદ શારદાબહેન, જૂગલજી ઠાકોર અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ 157 કરોડ રૂપિયાના રોકાણથી આરંભાયેલા આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.
વિજય રૂપાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાના વિશ્વમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે બધું ગુજરાતની ધરતી ઉપર ઉતારવાની અને ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડેલ બનાવવાની સંકલ્પબદ્ધતા આ સરકારે પણ સાકાર કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, યુવાશકિતના નવા વિચારો-કૌશલ્યજ્ઞાનને વેગ આપવા સ્ટાર્ટઅપ તેમજ નવા સંશોધનો, ડિઝાઇનીંગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુરૂપ કરવા માટેની વિશાળ તકો ગુજરાતમાં ઉપલબ્ધ બનાવી છે.
જાપાન-ભારતના સંબંધો વર્ષો જુના છે અને જાપાનની ઊદ્યમશીલતા, પરિશ્રમ, કેપેસિટી બિલ્ડીંગના આયામોમાંથી ભારત-ગુજરાતે ઘણું બધું મેળવ્યું છે. હવે, વર્લ્ડકલાસ ગુણવત્તા અને પ્રતિષ્ઠા ધરાવતી હિટાચીનું આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોને જોબ ગીવર બનાવશે અને ઇજનેરી-તકનીકી કૌશલ્યવર્ધનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
વિજય રૂપાણીએ રાજ્યમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અને લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત 1600 કિ.મી. સમુદ્ર કિનારાની જાહોજલાલી લોથલ-ખંભાતના બંદરોની સદીઓ જૂની જાહોજલાલી જેવી થાય તે માટે પોર્ટ પોલિસી, MSME એકમોને સોલાર એનર્જી ઉત્પાદન માટે વિશેષ રાહતો સહિતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ અભિગમની વિશદ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ સાણંદ, વિઠલાપૂર, બેચરાજી, કડી સહિતના સમગ્ર પટ્ટામાં મેન્યુફેકચરીંગ એકમો ઊદ્યોગો ધમધમતા થયા છે અને યુવાનોને રોજગારીના મોટાપાયે અવસર મળ્યા છે તેનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત ઔધોગિક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યું છે. 275 જેટલી જી.આઇ.ડી.સી થકી ઔધોગિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને વિવિધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત હબ બની રહ્યું છે. તેમણે કહ્યું કે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ ઘટાડી નવીન તકો ઉભી કરી છે જેના થકી દેશ અને રાજ્યમાં નવીન રોકાણો થવાના છે.
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે કડી ખાતે હિટાચી કંપનીના ગ્લોબલ સેન્ટરના પ્રારંભથી રાજ્યને ગૌરવ મળ્યું છે. જાપાનની વિવિધ કંપનીઓના ઉત્પાદન એકમો મહેસાણા જિલ્લામાં કાર્યરત છે. રાજ્યમાં મોટાપાયે વિવિધ રોકાણો આવી રહ્યા છે જે માટે રાજ્ય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીઘાં છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે લઘુ અને મધ્યમ ઉધોગોને ત્રણ વર્ષ સુધી જરૂરી મંજુરી વગર ઉત્પાદન કરવાની છૂટ આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ઉપરાંત ઔધોગિક એકમોમાં એપ્રેન્ટીસોને પ્રોત્સાહન આપવાની પણ શરૂઆત કરી છે અને સ્થાનિક યુવાઓનું કૌશલ્યવર્ધન કર્યુ છે. વડાપ્રધાને ભારત-જાપાનની મૈત્રી અને સંબંધોને નવો મોડ આપવા જાપાનીઝ ઊદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાનું જે કદમ મુખ્યમંત્રી તરીકે ઉઠાવેલું તેના પરિણામે આજે ગુજરાતમાં જાપાનના અનેક મોટા ઊદ્યોગોના કારોબાર વિસ્તર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.