Home /News /mehsana /મહેસાણા: કડીમાં ત્રિરંગા રેલી દરમિયાન નીતિન પટેલને રખડતા પશુએ અડફેટે લીધા

મહેસાણા: કડીમાં ત્રિરંગા રેલી દરમિયાન નીતિન પટેલને રખડતા પશુએ અડફેટે લીધા

નીતિન પટેલ

Mehsana News: દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ શહેરોમાં ત્રિરંગા રેલી પણ કાઢવામાં આવી રહી છે. આવી જ એક રેલીમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

વધુ જુઓ ...
મહેસાણા: રાજ્યમાં રખડતા ઢોર (Stray cattle)નો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં રખડતા ઢોરે લોકોને અડફેટે લીધાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)ને રખડતા ઢોરે અડફેટે લીધાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે કડીમાં ત્રિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન બનાવ બન્યો હતો. કરણપુર શાક માર્કેટ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા થયાની માહિતી મળી છે. તેમને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ (Bhagyoday Hospital)માં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વિવિધ શહેરોમાં ત્રિરંગા રેલી પણ કાઢવામાં આવી રહી છે. આવી જ એક રેલીમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


1) સરદાર સરોવરની સપાટીમાં વધારો


સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ 134.31 મીટરની સપાટીએ પહોંચ્યો છે. હાલ ડેમમાં 129,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમના ત્રણ ગેટ ખોલીને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


2) સ્ટેચ્યૂ ઓપ યુનિટી પર કુદરતે ત્રિરંગો ફરકાવ્યો


કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરી કન્દ્રા વચ્ચે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. સામી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. હાલ હર ઘર ત્રીરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મનમોહક નજારો જોવા મળ્યો હતો. બે દિવસ બાદ સ્વતંત્રતા પર્વ છે ત્યારે કુદરતે જાણે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ત્રિરંગો ફરકાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Nitin Patel stray cattle attack
ત્રિરંગા રેલીમાં ભાગ લઈ રહેલા નીતિન પટેલ

3) ગુજરાતમાં પડેલો વરસાદ


ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 83.70 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 133.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.18 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.87 ટકા, સૌરાષ્ટ્રમાં 78.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.28 ટકા વરસાદ પડ્યો છે.


4) છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજાપુરમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 59 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
First published:

Tags: Independence day, Stray Animal, નિતિન પટેલ, મહેસાણા