Rinku Thakor, Mehsana: જોટાણા માર્કેટમાં એરંડાની હરાજી શરૂ થઇ છે. એરંડાના 1250 થી 1300 રૂપિયા સુધીના ઉંચા ભાવ બોલાયા હતા. આજે માર્કેટ ઉઘડતાની સાથે એરંડાની આવક શરૂ થઇ ગઇ હતી. કુલ સિઝન દરમિયાન એરંડા, મરચા ,અજમો, રાયડાની કુલ 10, 000 બોરી આવક થઇ હતી. એરંડાની 1292 મણની આવક થઇ હતી. તેમજ મણના 1200 થી 1300 રૂપિયા ભાવ રહ્યા હતા. જોકે હાલ ગત વર્ષ કરતા ઓછા ભાવ છે.
ગત વર્ષ કરતા એરંડાનાં ઓછા ભાવ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વાવેતર રવિ સીઝનમાં એરંડાનું કરાયું હતુ. હાલ નવા એરંડા લઈને ખેડૂતો માર્કેટયાર્ડમાં ખુલ્લા બજારમાં વેચવા કરવા આવી રહ્યા છે.
પરંતુ શરૂઆતમાં કમોસમી વરસાદે એરંડાના ભાવમાં ઘટાડો કર્યો હતો. તેમજ વધારે વાવેતરના લીધે પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.પરંતુ હવે માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં વધારો થયો છે. ભાવમાં થોડો ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું વાવેતર થાય
રોકડિયા પાક તરીકે ગણાતા એરંડાના પાકમાં ઓછી મૂડી વધુ ફાયદો થતો હોય છે. જેથી છેલ્લા કેટલાક વર્ષથી રોકડીયા પાકની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે.સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતનું હવામાન પણ એરંડાની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. પરિણામે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એરંડા વાવેતર થાય છે.
ગત વર્ષે એરંડાનાં આટલા ભાવ રહ્યા હતા
મહેસાણા જિલ્લા સહિત જોટાણા માર્કેટ યાર્ડના ગત વર્ષે 25000 બોરીની આવક થઈ હતી. ગત વર્ષે એરંડાના ભાવ 1250 થી 1500 રૂપિયા રહ્યા હતા. ચાલુ વર્ષે જોટાણા માર્કેટ યાર્ડમાં એરંડા હરાજી શરૂ કરવામાં આવી છે. દરરોજની 1800 મણની આવક થઈ રહી છે. અત્યારે સુધીમાં 4900 થી 5000 બોરીની આવક નોંધાઈ રહી છે.અત્યારે 1250 થી 1300 રૂપિયા ભાવ નોંધાયો છે.તેમ જોટાણા માર્કેટયાર્ડના ચેરમેન નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.