મહેસાણા: મહેસાણા જિલ્લાના વિસનગર (Visnagar) ખાતે અબોલ પ્રાણી સાથે ક્રૂરતા આચરવામાં આવી છે. અહીં અજાણ્યા શખ્સોએ ત્રણ જેટલા આખલા પર એસિડ ફેંકી (Acid attack on 3 bull) દીધું હતું. જેના પગલે આખલાના મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. ત્રણમાંથી એક આખલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગેના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર કમકમાટી ઉપજાવે તેવા છે. આ અંગે કોઈએ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરતા પશુ ચિકિત્સકની મદદથી આખલાઓને સારવાર માટે પાંચોટ ખસેડાયા હતા. સારવાર દરમિયાન એક આખલાનું મોત થયું છે.
અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ
મળતી માહિતી પ્રમાણે વિસનગરના કાંસા વિસ્તારમાં ફરતા ત્રણ આખલા પર કોઈ અજાણ્યા શખ્સોએ એસિડ ફેંકી દીધું હતું. એસિડ ફેંક્યા બાદ આખલાઓના મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. ચામડીના પોપડા ઉપસી આવ્યા હતા. જે બાદમાં આ દ્રશ્યો જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ બાદ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જે બાદમાં વિસનગરના જીવદયા પ્રેમીઓએ પશુ ડૉક્ટરની મદદથી આખલાઓની સારવાર કરાવી હતી. બાદમાં આખલાઓને વધુ સારવાર માટે મહેસાણાના પાંચોટ મૂકામે ખસેડ્યા હતા.
આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. હાલ જીવદયા પ્રેમીઓ તેમજ હિન્દુ સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે જ આવું કૃત્ય કરનાર નરાધમોને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવકના ધ્યાનમાં રસ્તા પર તડફડિયા મારતા ત્રણ આખલા આવ્યા હતા. જે બાદમાં જીવદયા પ્રેમીઓને ફોન કરીને માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અબોલ પશુ પર આ પ્રકારના અત્યાચારના બનાવો અવારનવાર ધ્યાને આવતા હોય છે. અબોલ પશુઓ પર એસિડ અટેક કે પછી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યાના બનાવો ભૂતકાળમાં પણ નોંધાયા છે.