મહેસાણા: દિવસેને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણામાં 9 વર્ષની બાળકીની આંગળી શ્વાન કરડી (Mehsana Dog Bitten) ગયો હોવાની ઘટના બની છે. શ્વાનના હુમલામાં ઘાયલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બાળકીની હાથની ટચલી આંગળીએ કૂતરાએ બચકું ભર્યું
મહેસાણામાં 9 વર્ષની બાળકીની આંગળી કૂતરાએ કરડી ખાધી હોવાની ઘટના બની છે. આ ઘટના મહેસાણાના ટીબી રોડ પર સનેહકુંજ સોસાયટીની છે. રાજનંદિની દિનેશભાઈ મહેશ્વરી પોતાના ઘર આગળ રમતી હતી, ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. બાળકીની હાથની ટચલી આંગળીએ કૂતરાએ બચકું ભર્યું હતું. જે બાદ બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર અપાઇ હતી. નોંધનીય છે કે, શહેરમાં વધતા પશુના ત્રાસ સાથે કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે.
ગઇકાલે સુરતમાં શ્વાનના હુમલાની ઘટના બની હતી, આ વખતે એક બાળક પર કૂતરાએ હુમલો કરી દેતા તેની હાલત ગંભીર છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના શહેરના છેવાડે આવેલા ખજોદ ગામ પાસેના વિસ્તારમાં બની હતી. બાળકને શરીરના અલગ-અલગ ભાગ પર બચકાં ભરી લીધા હતા. મજૂરના બે વર્ષના પુત્ર પર કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકના શરીર પર 40થી વધારે બચકાં ભરી લેવામાં આવ્યા હતા. બાળકને ગંભીર અવસ્થામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે.