માન્યા મકવાણા કડકડાટ પક્ષીઓના અંગ્રેજી નામ સાથે ગુજરાતી નામ બોલી રહી છે.
નવ વર્ષીય માન્યા મકવાણા કડકડાટ પક્ષીઓના અંગ્રેજી નામ સાથે ગુજરાતી નામ બોલી રહી છે. એમ તો ઘણા બાળકો પર્યાવરણ વિશે ઘણું બધું જાણે છે, પરંતુ માન્યાની બુદ્ધિ શક્તિ ખૂબ જ તેજ છે. તે ખૂબ જ ઝડપી દરેક વસ્તુને શીખી લે છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના ભાયલીગામના વણકરવાસના પર્યાવરણ મિત્ર બાળકોએ પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું સિંચન કરતાં તેમના માર્ગદર્શક હિતાર્થ પંડ્યા સાથે જોડાઈને ભાયલી ગામના તળાવનું શુદ્ધિકરણ કર્યું છે. તથા ગામના તળાવોને, જળ ભંડારોને સિમેન્ટના કાટમાળ, કચરો પૂરીને મારી નાંખવાને બદલે તેમને સ્વચ્છ રાખીને સાચવીએ એવો સંદેશ આપ્યો છે.
ભાયલી ગામનાં બાળકો પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓને ઓળખતા થયાં છે. આ તળાવ એમના માટે પર્યાવરણની પાઠશાળા બની ગયું છે. જેને પગલે નવ વર્ષીય માન્યા મકવાણા કડકડાટ પક્ષીઓના અંગ્રેજી નામ સાથે ગુજરાતી નામ બોલી રહી છે. એમ તો ઘણા બાળકો પર્યાવરણ વિશે ઘણું બધું જાણે છે, પરંતુ માન્યાની બુદ્ધિ શક્તિ ખૂબ જ તેજ છે. તે ખૂબ જ ઝડપી દરેક વસ્તુને શીખી લે છે. જેથી કરીને આજ દિન સુધી હિતાર્થ સરે જેટલું પણ શીખવાડ્યું એ તમામ બાબતોને એણે ગ્રહણ કરી લીધી છે.
પર્યાવરણવાદી અને શિક્ષક હિતાર્થ પંડ્યા એ જણાવ્યું કે, માન્યા મકવાણા એ ખૂબ જ હોશિયાર છોકરી છે. અને ખૂબ જ એકાગ્રતાથી તમામ વસ્તુઓને ગ્રહણ પણ કરી લે છે. તથા એને પર્યાવરણમાં રુચિ પણ છે. જેથી કરીને એને ફક્ત પક્ષીઓના નામ જ નહીં પરંતુ એ પક્ષી વિશેની તમામ બાબતો એને આવડે છે અને જો કોઈ પક્ષી સામે આવી જાય તો એને ઓળખી પણ બતાવે છે.
જ્યારે માન્યા ને બધા બાળકો ભેગા થઈને અંગ્રેજીમાં પક્ષીના નામ બોલતા અને એની પાસે ગુજરાતીમાં બોલાવતા હતા. એ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જેને પગલે લોકોની પ્રતિક્રિયા ખૂબ જ સારી મળી હતી. માન્યા એક નાની છોકરી છે એટલા માટે લોકોને ગમે છે એવું નથી, પરંતુ એનામાં જ્ઞાનનો ભંડાર છે એ જોઈને લોકો એને પસંદ કરે છે.
તો બીજી તરફ માન્યા મકવાણા એ જણાવ્યું કે, મને પર્યાવરણ ખૂબ જ ગમે છે અને આગળ જતા હું પર્યાવરણવાદી બનવા ઇચ્છું છું. મને અલગ અલગ વિસ્તારોમાં ફરીને વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ ગમે છે. અમારા ભાયલી ગામમાં પણ જ્યારે દેશ વિદેશના પક્ષીઓ તળાવમાં આવે છે, તેને ઓળખવા, નિરીક્ષણ કરવું ખૂબ જ ગમે છે અને જેને લીધે મને નવી નવી બાબતો પણ શીખવા મળે છે.