Home /News /madhya-gujarat /

મળો વડોદરાની તેજતર્રાર મહિલા કોચને, 'હમારી છોરીયા છોરો સે કમ હે?'

મળો વડોદરાની તેજતર્રાર મહિલા કોચને, 'હમારી છોરીયા છોરો સે કમ હે?'

નારી શક્તિ સાથે સંકળાયેલી આ ઘટના ગૌરવ લેવા જેવી છે.

Women's Day 2022 : વડોદરામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની આ નારી શક્તિની કહાણીઓ જાણવા જેવી છે.

  વડોદરા: જે કર ઝુલાવે પારણું એ જગત પર શાશન કરે... માતા જીજાબાઇ અને દુધમલ શિશુને પીઠ પર બાંધીને યુદ્ધમાં ઉતરેલા મહારાણી લક્ષ્મીબાઈ (Maharani Lakshmibai) સહિતની વીર નારીઓએ માતૃ શક્તિની (Maternal Power) મહિમા કરતું આ સૂત્ર સાર્થક કર્યું છે. જો કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat) સંચાલિત વડોદરાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં આ સૂત્ર થોડુંક જુદી રીતે સાકાર થયેલું જોવા મળે છે. અહીં વિવિધ રમતોના 20 જેટલા કાયમી કે કરાર આધારિત કવોલીફાઇડ કોચ રાજ્ય અને દેશ માટે શ્રેષ્ઠ રમતવીરોનું ઘડતર કરવા પરિશ્રમ કરી રહ્યાં છે. આ પૈકી આઠ કોચિસ મહિલા છે.

  મંગળવારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થવાની છે ત્યારે નારી શક્તિ સાથે સંકળાયેલી આ ઘટના ગૌરવ લેવા જેવી છે. મહિલા સશક્તિકરણનો જીવતો જાગતો દાખલો અહીં વિદ્યમાન છે. રમતની તાલીમએ અત્યાર સુધી બહુધા પુરુષોના આધિપત્યનું ક્ષેત્ર રહ્યું છે.ત્યારે આ જમીની હકીકત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પણ હવે પ્રવાહ પલટાઈ રહ્યો છે.

  એક બીજી વાત અહીં નોંધવી જરૂરી છે. આ 8 પૈકી લગભગ 6 મહિલા કોચ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ જેવા રાજ્યોમાં એમના મૂળ ધરાવે છે. જ્યારે માત્ર બે કોચ ગરવી ગુજરાતણ છે. એટલે આ ક્ષેત્રમાં ગુજરાતની દીકરીઓ ને પ્રોત્સાહિત કરવાની જરૂર વર્તાય છે. વિશ્વ મહિલા દિવસ આંગણે આવીને ઉભો છે. ખેલ મહાકુંભના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કોરોના પછીની પહેલી મેગા ઇવેન્ટના રૂપમાં 2022 ના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવે તેની ઘડીઓ ગણાય રહી છે ત્યારે આવો આ ખમીરવંતા મહિલા ખેલ ગુરુઓનો ટુંકો પરિચય મેળવીએ.

  જમીનદાર પિતાની દીકરી બની છે એથલેટિક કોચ....

  એથલેટિક કોચ સલોની રત્નેશ પ્રસાદના પિતા જમીનદાર એટલે કે મોટા ખેડૂત હતા. એમની શાળાના શિક્ષકને સલોનીમાં ખેલાડી બનવાની ક્ષમતા જણાઈ અને 10 હજાર મીટરની દોડમાં ભાગ લેવડાવ્યો.એમાં વિજેતા બનતા તેઓ એથલેટિકની દિશામાં વળ્યા. તેઓ કહે છે કે મને એસ.એ.જી.ની પી.ટી.ઉષા એકેડમીમાં આદર્શ એથલીટ પી.ટી. ઉષાની સાથે કોચિંગ આપવાની તક મળી અને મેં રાજ્યના દીકરા દીકરીઓને ઉમદા કોચિંગ દ્વારા જિલ્લા રમત સ્કૂલ અને એકેડેમી માં પ્રવેશને પાત્ર બનાવવાનો સંકલ્પ કર્યો.
  છેલ્લા બે વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધા જીતતો લલિત નિષાદ એમનો તાલીમાર્થી છે. તેમણે તૈયાર કરેલા ચાર થી પાંચ રમતવીરો નેશનલ રમે છે. એક તાલીમાર્થી દીકરીને રમત ક્વોટામાં પોસ્ટ વિભાગમાં તો અન્ય એક દીકરાને રમત નિપુણતાને લીધે સેનામાં નોકરી મળી છે.

  મારે દીકરા દીકરીઓને ટેનિસ રમતા કરવા છે......

  ટેનિસ કોચ વંદના પટેલને માંડ કોલેજ શિક્ષણ લેવાની છૂટ મળી. એમના ઘરમાં ખૂબ પાબંદી હતી અને રમવાની તો છૂટ જ ન હતી.ત્યારે ટેનિસ કોચ બનવાની એમની સિદ્ધિ વિરલ ગણાય. યુનિવર્સિટીમાં અન્ય રમતો રમવાની શરૂઆત કરી પણ એમનું મન બાજુના કોર્ટ પર રમાતી ટેનિસની રમતમાં લાગ્યું.પૈસા બચાવી રેકેટ ખરીદ્યું અને ટેનિસ રમવાની શરૂઆત કરી.

  ટેનિસ કોચિંગ માં અનુસ્નાતકની પદવી ધરાવતા ગુજરાતના પ્રથમ મહિલા ટેનિસ કોચ છે વંદના. તેઓ કહે છે કે આ મોંઘી રમત છે એટલે તેના પર ભદ્ર સમાજની રમત નો સિક્કો વાગી ગયો છે.એટલે મારું ઘ્યેય જેને રસ પડતો હોય તેવા તમામ બાળકોને ટેનિસ રમતાં કરવાનો છે. તેમની માંડ 5 વર્ષની દીકરી દેવાંશિકા પીઢ ખેલાડીની જેમ કોર્ટમાં મૂવમેન્ટ કરે છે અને દીકરીના લક્ષણ પારણામાંથી ની અનુભૂતિ કરાવે છે. વંદના કહે છે કે રમત હોય કે જીવનનું કોઈપણ ક્ષેત્ર,જાતે નિર્ણય લેવાની ક્ષમતા કેળવો તો જ લક્ષ્ય સિદ્ધ થાય.તેમની પાસે 57 જેટલા દીકરા દીકરીઓ તાલીમ લઈ રહ્યાં છે.

  લાઇફ ગાર્ડ કે કોચ વગર તરતા શીખ્યા અને સ્વિમિંગના કોચ બન્યા...

  સ્વિમિંગ કોચ ક્રિષ્ણા પંડ્યાના ઘરમાં આમ તો રમતનું કોઈ વાતાવરણ ન હતું. તેમના પિતાને નદીમાં તરવાનો શોખ હતો. એટલે નવસારીમાં પહેલો સ્વિમિંગ પુલ બન્યો ત્યારે તેમણે ક્રિષ્ણા ને ત્યાં તરણની તાલીમ અપાવી. તેઓ લાઇફ ગાર્ડ કે કોચ વગર જ તરતા શીખ્યા અને આ રમતમાં નેશનલ સુધી પહોંચ્યા.

  આજે તેઓ સ્વિમિંગ ઉપરાંત ટ્રાયથ્લોન અને સાયકલિંગ ની તાલીમ આપી રહ્યાં છે...

  રમત વિજ્ઞાનમાં અનુસ્નાતક ક્રિષ્ણા એ એન.આઇ.એસ. પટિયાલાથી ખેલ પ્રશિક્ષણનો ડિપ્લોમા મેળવ્યો છે. તેમણે રાજ્યકક્ષાના 70 થી વધુ મેડલિસ્ટ સ્વિમર તૈયાર કર્યા છે. તેમની તાલીમાર્થી રિદ્ધિ કદમ હાલમાં ટ્રાયથ્લોનમાં ઇન્ટરનેશનલ માટેના કેમ્પમાં તાલીમ માટે પસંદ થઈ છે તો તેમની તાલીમ હેઠળના 3 દીકરીઓ અને 2 દીકરા સ્વિમિંગ માં નેશનલ સુધી પહોંચ્યા છે.

  પ્રમિલા જેકબે 1 હજાર થી વધુ બાળકોને હોકી રમતા શીખવ્યું છે...

  મૂળ કેરળના પ્રમિલા જેકબનો પરિવાર મધ્ય પ્રદેશમાં સ્થાયી થયો અને આજે તેઓ હોકી કોચ તરીકે ગુજરાતમાં પ્રશિક્ષણ આપી રહ્યાં છે. તેઓ કહે છે કે 2010 થી અત્યાર સુધીમાં 1 હજાર થી વધુ બાળકોને હોકી રમતાં શીખવ્યું છે. એન આઇ.એસ.નો ખેલ પ્રશિક્ષણ ડિપ્લોમા ધરાવતા પ્રમિલાના પિતા અને ભાઈ ફૂટબોલ તો માતા એથલેટિક ના ખેલાડી હતા અને પરિવારનો આ રમત વારસો તેઓ હોકી કોચ તરીકે આગળ ધપાવી રહ્યાં છે.

  આ મહિલા કોચિસનું કહેવું છે કે માતા પિતા અને પરિવારનું પીઠબળ રમતવીર બનવામાં ખૂબ મદદ કરે છે.ખેલ જગતમાં આજે ઉજ્જવળ કારકિર્દીની તકો ઉપલબ્ધ છે. રમતની શ્રેષ્ઠ સંસ્થાઓ ની સાથે ઉમદા કોચિંગ મેડલ વિજેતાઓ નું ઘડતર કરી શકે છે.
  First published:

  Tags: Women Empowerment, Womens day, વડોદરા સમાચાર

  આગામી સમાચાર