વડોદરા: શહેર નજીક આવેલા ભાલીયાપુરા ગામ નજીક કોતરોમાં વર્ષોથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓને ડ્રોન કેમેરા વડે પોલીસે શોધીને ઠેર ઠેર છાપા મારતા 6 ભઠ્ઠીઓ તોડી પાડી હતી. અને બે ઇસમોની ધરપકડ કરી હતી. ડ્રોન સર્વેલન્સની મદદથી ભાલીયાપુરા નજીક આવેલ નગરા કોતરોમાં સેંકડો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી.
ગુનાહિત પ્રવૃતીને સત્વરે ડામવા માંજલપુર અને મકરપુરાની પોલીસ ટીમો સાથે અધિક મદદનીશ પોલીસ કમિશનર એસ બી કુપવતના માર્ગદર્શન મુજબ દરોડા પાડયા હતા. પોલીસને જોતા જ ભઠ્ઠીમાં કામ કરતા લોકોએ નાસભાગ મચાવી મૂકી હતી.
તદ્દન નિર્જન વિસ્તારમાં જંગી માત્રામાં દેશી દારૂ બનાવતો હતો. પોલીસે છ દેશી દારૂની ભઠ્ઠીઓ તોડીને કેટલોક મુદા માલ કબજે કર્યો હતો અને બે ઇસમોને ઝડપી પાડયા હતા. આટલા વિશાળ પોલીસ કાફલાને પણ ચકમો આપીને અનેક ઇસમો નાસી છૂટયાં હતા.
પોલીસે કડક કાર્યવાહી કરીને ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુના દાખલ કર્યા હતા અને પૂછપરછ દરમિયાન વધુ સાત આરોપીઓના નામ ખુલતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ચોતરફ નદી તરફના વિસ્તારોમાં સેંકડો દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની પણ રાવ ઉઠી રહી છે આ સંજોગોમાં પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી લોકોમાં સંતોષની લાગણી પ્રસરી છે. પોલીસે આ રેડમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનની મદદથી પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.