ટ્રીબ્યુનલના આદેશ પછી પણ કોર્પોરેશને એક્શન પ્લાન સબમીટ કર્યો નથી..
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સુપ્રત કરી દેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ દેવડાવ્યું છે.
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની (Vishwamitri River) કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને (National Green Tribunals) સુપ્રત કરી દેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board) દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ દેવડાવ્યું છે. મળતી વિગતો અનુસાર વડોદરા કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) ફ્યૂચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેરને એક પત્ર પાઠવીને વિશ્વામિત્રી નદીનો કાયાકલ્પ કરવાનો સમય સાથેનો એક્શન પ્લાન માગ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ પ્રદૂષિત નદીઓનો કાયાકલ્પ કરવા માટે દરેક રાજ્યોમાં આ અંગે ખાસ સમિતિનું ગઠન કરવા અને તેના દ્વારા એક એક્શન પ્લાનનો અમલ થાય તે માટે સમયબદ્ધ આયોજન હાથ ધરવા પણ કહ્યું છે.
દેશની સૌથી વધુ 351 પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રીનો પણ સમાવેશ.
ટ્રીબ્યુનલએ નોંધ્યું હતું કે, દેશની સૌથી વધુ 351 પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રીનો પણ સમાવેશ થાય છે, અને ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવા કહ્યું હતું. જાણવા મળ્યા મુજબ ટ્રીબ્યુનલના આદેશ પછી પણ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન સુપરત નહીં કરાયો હોવાથી પંદર દિવસમાં સબમીટ કરી દેવા પત્રમાં જણાવાયું છે.
શહેરમાં દરરોજ 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી નાળામાં નિકાલ કરવામાં આવે છે. જેમાં 22 લાખની વસ્તી વચ્ચે માત્ર આઠ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, માંડ 59% ની ટ્રીટીંગ કેપેસિટી ધરાવે છે. નદી નાળા અને તળાવની સફાઇ નહીં થાય તો આગામી ચોમાસામાં શહેરમાં વિકટ પરિસ્થિતિ સર્જાશે.