Home /News /madhya-gujarat /

Vadodara: વાયદપુરા પ્રાથમિક શાળામાં શાકવાડીના ઉછેરથી બાળકોને પોષક આહારના પ્રયોગને પૂરાં થયા 20 વર્ષ

Vadodara: વાયદપુરા પ્રાથમિક શાળામાં શાકવાડીના ઉછેરથી બાળકોને પોષક આહારના પ્રયોગને પૂરાં થયા 20 વર્ષ

શાળાની વાડીમાં ઉછેરીને અંદાજે રૂ. 3.30લાખથી વધુ કિંમતની શાકભાજી બાળકોને ખવડાવી

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પા

  વડોદરા: આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણ ને વેગ આપવાનો પ્રયોગ અમલી કરાવ્યો હતો.

  લગભગ તેનાથી પણ પહેલા અને એક સ્વયં પહેલના રૂપમાં ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં યુવા શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાક નો બગીચો ઉછેરીને વિવિધ પ્રકારના મોસમી શાકોથી બાળ ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો.

  હાલમાં આ પ્રયોગને 20 વર્ષ એટલે કે બે દાયકા પૂરા થયા છે અને આ શિક્ષક દંપતીએ સૌના સહયોગથી શાળામાં જ ઉછેરેલા શાકભાજી દ્વારા બાળ પોષણનું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે. કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતાં, ત્યારે ઉછેરેલા શાકભાજી તેમના ઘેર પહોંચાડી ને પણ અભિયાનને તેમણે આગળ ધપાવ્યું છે અને જે નવા શિક્ષકો શાળામાં આવ્યા એ તમામે આ પ્રયોગમાં સહયોગ આપ્યો છે.

  બે દાયકા પહેલાના સમયને યાદ કરતાં નરેન્દ્રભાઇ જણાવે છે કે ત્યારે શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસાં શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝ્યો. ત્યારે પાણીની ખાસ સુવિધા પણ અમારી પાસે ન હતી.છતાં આ વિચાર અમલમાં મૂક્યો.

  આજે તો વાડીનું રક્ષણ થાય તેવી પ્રાંગણ દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે. ગામલોકો પોતાના ટ્રેકટરની મદદથી જમીન ખેડી આપે છે, બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વધતા ઓછા પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છે. હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો, દાતાઓ અને ગ્રામજનો સૌનો દિલથી આભાર માનું છું.

  આ પણ વાંચો: કાળ બનીને આવ્યું ટ્રેક્ટર, બે મિત્રોને લીધા અડફેટે, એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

  બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ કે કોચરાઇ જોવા મળે છે. એટલે તેઓ શાકભાજી ઉમેરીને દાળ, મુઠીયા જેવી વાનગીઓ બનાવે છે જે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ખાય છે. મોસમમાં એક બે વાર ઊંધિયા પાર્ટી યોજવામાં આવે છે. જરૂર હોય ત્યાં પોતાના ખીસામાંથી પણ ખર્ચ કરે છે. શાળામાં મોટેભાગે ખૂબ ગરીબ પરિવારોના બાળકો ભણે છે. આ પ્રયોગથી તેમની થાળીમાં સ્વાદ અને પોષણની વિવિધતા ઉમેરાઈ છે અને શાક ખાવાના ભોજન સંસ્કારનું અમે સિંચન કરી શક્યા તેનો અમને આનંદ છે.

  શાળાની વાડીમાં અત્યાર સુધીના 20 વર્ષમાં ઉત્પાદિત શાકભાજીનો અંદાજિત હિસાબ પણ આ ઉત્સાહી આચાર્યે રાખ્યો છે. તેઓ જણાવે છે કે અમારી વાડીમાં અમે મોસમ પ્રમાણે પાલક, મેથી, મૂળા, ગાજર, બીટ, ધાણા, લસણ, મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, ગલકા, તુવેર, પાપડી, ફલાવર, કોબીજ, લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરીએ છે. લાલ અને ગોળ મૂળા જેવી આકર્ષક શાકભાજી અમે ઉગાડી છે. તેના લીધે ભોજનમાં શાકની સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડની વિવિધતા તેઓ ઉમેરી શક્યા છે.

  આ પણ વાંચો - Corona Third Wave: માર્ચમાં કોરોનાના દૈનિક 1.8 લાખ કેસ આવશે પરંતુ એપ્રિલમાં થશે સમાપ્ત: કાનપુરના પ્રોફેસરનો દાવો

  તેમના અંદાજ પ્રમાણે શાળાના મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીમાં પીરસાતી વાનગીઓમાં 20 વર્ષ દરમિયાન લગભગ 11000 કિલોગ્રામ, શાળા શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના મોસમી શાકભાજી નો ઉપયોગ કર્યો છે. એક કિલોની કિંમત સરેરાશ રૂ. 30 મૂકીએ તો આ પ્રયોગ હેઠળ લગભગ રૂ. 3.30 લાખથી વધુ કિંમતની શાકભાજી બાળકોની ભૂખ અને પોષણ આવશ્યકતા સંતોષવામાં ઉપયોગમાં લેવાઈ છે. લગભગ 1 હજાર કિલોગ્રામ શાકભાજી બાળકોના ઘેર અને દાતાઓ અને શુભેચ્છકોને સૌજન્યના રૂપમાં પહોંચાડી છે. તેમની આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે અને સાથી શિક્ષકો અને પ્રતિનિધિ મંડળોએ તેની મુલાકાત લીધી છે.

  આ પણ વાંચો - Live news update: રાજ્યમાં 5 અને 6 તારીખે માવઠાની આગાહી, વરસાદ બાદ ફરી વધશે ઠંડી

  એક શિક્ષક ઉપરાંત બાળ કલ્યાણ માટે ઘણું બધું કરી શકે છે. ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ગામલોકો અને દાતાઓનો સહયોગ મળી રહે છે. તે આ પ્રયોગ પુરવાર કરે છે. તેમની શાળા માટે હવે આ બાબત પ્રયોગ નહિ વણ લખી પરંપરા બની ગઈ છે. આટલા લાંબા સમય સુધી એક પ્રયોગને આગળ ધપાવવો એ પણ નોંધ લેવાને પાત્ર સિદ્ધિ છે. તેમનો આ શાળા શાકવાડીનો પ્રેરક પ્રયોગ પાઠ્યક્રમમાં સમાવી લેવા જેવો છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadoadara, વડોદરા

  આગામી સમાચાર