Home /News /madhya-gujarat /

વડોદરા: હાઇ જમ્પમાં નેશનલ લેવલે જીતનાર પોલીસ પુત્રને રૂ. ચાર લાખનું ખેલ પ્રોત્સાહન

વડોદરા: હાઇ જમ્પમાં નેશનલ લેવલે જીતનાર પોલીસ પુત્રને રૂ. ચાર લાખનું ખેલ પ્રોત્સાહન

વડોદરા જિલ્લા પોલીસ રાજેન્દ્ર જાધવના સુપુત્ર કૌશિકે 6 નેશનલ્સમાં પદકો જીત્યા છે

વડોદરા જિલ્લા પોલીસ દળમાં કાર્યરત રાજેન્દ્ર જાધવના સુપુત્ર કૌશિકે 6 નેશનલ્સમાં પદકો જીત્યા છે. સન 2016થી હાઈ જંપ એટલે ઊંચી કુદની રમતમા?

  વડોદરા જિલ્લા પોલીસ દળમાં કાર્યરત રાજેન્દ્ર જાધવના સુપુત્ર કૌશિકે 6 નેશનલ્સમાં પદકો જીત્યા છે. સન 2016થી હાઈ જંપ એટલે ઊંચી કુદની રમતમાં કૌવત બતાવનારા કૌશિક જાધવને આ રમતમાં તેણે મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષીને અને ભવિષ્યમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે કુશળતા કેળવી શકે તેવા હેતુસર રાજ્યના સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.4 લાખની ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી છે. પોલીસ પરિવારના આ રમતવીર સંતાનને આ સ્કોલરશીપ મળે તે માટે જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈએ આપ્યું હતું.

  રાજ્યના પોલીસ વડાની ગાંધીનગર સ્થિત કચેરી ખાતે કૌશિકને મધ્યસ્થ પોલીસ કલ્યાણ ભંડોળ આધારિત આ ખેલ પ્રોત્સાહક શિષ્યવૃત્તિનો ચેક રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ, વહીવટના આઇ.જી.પી. બ્રિજેશકુમાર ઝાની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો. તેના પિતા રાજેન્દ્ર જાધવ આ પ્રસંગે તેની સાથે રહ્યાં હતા.

  ઉલ્લેખનીય છે કે, હાઈ જમ્પર કૌશિકે 2016 થી 2019 દરમિયાન 6 જેટલી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીતી રાજ્યને અને વડોદરાને ગૌરવ અપાવ્યું છે. કોરોના કાળમાં રમત પ્રવૃત્તિમાં સ્થગિતતા આવી હતી, તેમ છતાં કૌશિકે ઘેર રહીને શક્ય તેટલો મહાવરો ચાલુ રાખ્યો હતો. હવે પરિસ્થિતિ હળવી થતાં તે ફરીથી મેદાનમાં ઉતરી પુરુષાર્થ કરી રહ્યો છે.

  જિલ્લા પોલીસ દળમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કમાન્ડો તરીકે કાર્યરત કૌશિકના પિતા રાજેન્દ્ર બારીકરાવ જાધવે જણાવ્યું કે, જિલ્લા પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈએ કૌશિકને આ સ્કોલરશીપ મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું તેના માટે અમે તેમના આભારી છીએ. આ સ્કોલરશીપ હેઠળની નાણાંકીય સહાયતા કૌશિકને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માટે તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ બનશે.

  યાદ રહે કે કૌશિક જ્યારે દશમા ધોરણમાં ભણતો હતો ત્યારે રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક યોજના હેઠળ ઊંચા કુદકાની રમત માટે પસંદ થયો હતો. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની નડિયાદ ખાતેની ખેલ અકાદમીમાં તેને ઉચિત તાલીમ આપવામાં આવી રહી છે.

  મધ્યસ્થ પોલીસ કલ્યાણ ભંડોળ હેઠળ રમત પ્રતિભા ધરાવતા પોલીસ સંતાનોને તેમના દેખાવ પ્રમાણે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક સ્તરે અને નેશનલ સુધી પહોંચેલા પોલીસ સંતાનોને રાજ્ય પોલીસ વડાની કક્ષાએ આ સ્કોલરશીપ માટે પસંદ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

  કૌશિકે આ રમત સન્માન મેળવીને વડોદરા જિલ્લા પોલીસ પરિવારને ગૌરવ અપાવવાની સાથે તેની ઉંમરના કિશોરોને રમતવીર બનવાની પ્રેરણા આપી છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: High Jump, Local News, Vadodra News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन