વડોદરા: શિયાળાની ઋતુમાં સતત ચોથી વખત હવામાનમાં પલટો આવ્યો છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે માવઠાઓની અસરથી પરેશાન ખેડૂતો ફરી માવઠાની આગાહીથી ચિંતાતુર અને ભયભીત થયા છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ સતત હવામાનમાં સમયાંતરે પલટાઓ આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 થી 8 જાન્યુઆરી સુધી ફરી માવઠાની શક્યતા છે. જેને પગલે હવામાનમાં અણધાર્યો પલટો પણ જોવા મળી રહ્યો છે.
આજે ફરી આકાશમાં વાદળોની ફોજ ઘેરાઈ ગઈ છે. અને વાતાવરણ અચાનક બદલાઈ ગયું છે. શિયાળામાં સતત ચોથી વખત કમોસમી વરસાદની ભિતિથી વડોદરા શહેર જિલ્લાના ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. તેમજ પાકને નુકસાન થશે તેવો ભય પણ તેમને ડરાવી રહ્યો છે. બીજી તરફ વાદળો ઘેરાતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે વારંવાર હવામાનમાં બદલાવથી લોકો ટેવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વાદળો ઘેરાતા તાપમાનનો પારો ઊંચે ગયો હતો અને મંગળવારની રાતથી જાન્યુઆરી માસમાં કડકડી ઠંડીના બદલે બફારો અને ગરમી વધતાં શહેરીજનોને પંખાની સ્વીચ ઓન કરવી પડી હતી.
બે દિવસથી ઠંડીનુ જોર ઘટ્યુ હતુ. ગઈકાલે બુધવારના રોજ ગરમીનો પારો 0.9 ડિગ્રીના વધારા સાથે 31.5 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટ્યુ હતુ. લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી 1.2 ડિગ્રી વધતા 18 ડિગ્રી નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ 85 ટકા અને સાંજે 48 ટકા નોંધાયુ હતુ. હવાનુ દબાણ 1011.8 મિલીબાર્સ રહ્યુ હતુ. દક્ષિણ - પશ્ચિમ દિશામાંથી 8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભેજવાળા પવન ફૂંકાયો હતો.
આજે ગુરુવાર સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી આજથી 3 દિવસ શહેરમાં માવઠું થવાની હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે. હિમાલયી વિસ્તારમાં વેસ્ટર્ન ડસ્ટર્બન્સ સર્જાતા તેની અસર ગુજરાત રાજ્યના હવામાન પર પડી રહી છે. જેમાં ગુજરાતમાં સૂચિત જગ્યાઓ પર માવઠાની આગાહી કરાઈ છે. આજે શહેરનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાવાની શક્યતાઓ રહેલઈ છે.
આજથી 3 દિવસ વડોદરામાં માવઠું પડી શકે છે. પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને માવઠુ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરેલી છે. હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા સર્જાતા શીત લહેર ફરી વળી છે. જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીએ જોર પકડ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પડી છે.