હવે ગામડાના કારીગરો પણ પોતાની વસ્તુઓ ઓનલાઈન વેચી શકશે.
વડોદરા શહેરમાં રહેતી મહિલાઓએ ભારતીય કલા અને સંસ્કૃતિને સાચવવા અનોખા પ્રકારનું સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે. કારીગરોની કલાકૃતિને પ્રદર્શિત કરવા માટે "આર્ટિફેક્ટર્સ" (rtefacts.com) નામનું ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર અત્યાર સુધી 170 જેટલા કારીગરો જોડાયેલા છે.
વડોદરા: ભારત એ કલા અને સંસ્કૃતિ ધરાવતો સમૃદ્ધ દેશ છે. જ્યાં ગામડાઓથી લઈને દરેક શહેર અને રાજ્યોમાં વિવિધ કલાઓ જોવા મળતી હોય છે. કલાથી સમૃદ્ધ દેશમાં ગામના છેવાડામાં કારીગરો વસેલા છે. જેઓ પોતાની કલાને દરેક લોકો સુધી પહોંચાડી નથી શકતા. પોતાના પ્રદેશ પૂરતી જ સીમિત રહી જાય છે. તો આ ગામડાના કારીગરોની કલા લોકો સુધી પહોંચે અને આ કારીગરોને એમની કલાની યોગ્ય કિંમત મળી રહે તે હેતુસર વડોદરાની ત્રણ મહિલાઓએ "આર્ટિફેક્ટર્સ " નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
કારીગરોની કલાકૃતિને પ્રદર્શિત કરવા માટે વડોદરાની ત્રણ મહિલાઓ દ્વારા "આર્ટિફેક્ટર્સ" (rtefacts.com) નામનું ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. રુચિરા ચૌધરી, પ્રેરણા ભાટી અને રાખી બિશ્વાસ દ્વારા કારીગર અને પ્રોત્સાહન મળી રહે અને એમની કલાને પૂરતી કિંમત મળી રહે તે હેતુસર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું.
નવેમ્બર મહિનામાં શરૂ થયેલ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર અત્યાર સુધી 170 જેટલા કારીગરો જોડાયેલા છે. દેશ વિદેશના ગ્રાહકો કારીગર સાથે સીધા જ સંપર્કમાં આવી શકે છે.આર્ટિફેક્ટર્સના ડાયરેકટર રુચિરા ચૌધરીએ જણાવ્યું કે, અમારા સ્ટાર્ટઅપથી કારીગરો પોતાનો ઓનલાઈન સ્ટોર બનાવવા માટે સક્ષમ બન્યા છે. જેથી કારીગરો ખૂબ જ ઉત્સુક છે અને દેશ વિદેશમાં પોતાની વસ્તુઓ સરળતાથી વેચી શકે છે.
ગુજરાતનું ખાવડા ગામ, ભુજ, ભુજોડી, છોટાઉદેપુર, તેજગઢ, સુરેન્દ્રનગર, વઢવાણ ગામ, રાજકોટ, જેવા દરેક પ્રદેશોમાંથી કારીગરો જોડાયેલા છે. આ વર્ષ દરમિયાન 5,000 કારીગરો જોડાઈ તેવો લક્ષ્ય સાધ્યો છે. શરૂઆતમાં ઓનલાઇન પ્લેટફોર્મ સાંભળીને કારીગરો મૂંઝવાઇ ગયા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી કારીગરોને સતત તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરીને હવે તેઓ ખૂબ સરળતાથી કામ કરી રહ્યા છે.
તદુપરાંત પટોલાના કારીગરો, અજરક બ્લોક પ્રિન્ટિંગના કારીગરો, લિપણ કામ, ભરતકામ, રાઠવા સમાજની મોતીકામ માટેની મહિલાઓ, લાકડા પર કોતરણીના કામો, વગેરે જેવા ભિન્ન ભિન્ન કલાઓના કારીગરો સંકળાયેલા છે.
આખું વર્ષ દરમિયાન પટોળાના કારીગરો જે બે થી ત્રણ પટોળા એમના વેચી શકતા હતા, તે હવે વર્ષ દરમિયાન 10 જેટલા વેચાવા લાગ્યા છે. આ સ્ટાર્ટ અપને ગુજરાત સરકારના આઈ હબ ઇંક્યુબેટર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે. ભવિષ્યમાં કારીગરોની સાથે સાથે આર્ટિસ્ટોને પણ સામેલ કરવામાં આવશે. જેથી કરીને આર્ટિસ્ટો પણ પોતાની કલાને પ્રદર્શિત કરી શકશે. હસ્તકલા અને હેન્ડલુમ જેવા મેળાઓમાં કારીગરો પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરતા જ હોય છે પરંતુ એ ટૂંક સમય માટે જ હોય છે. જ્યારે આ આખું વર્ષ પોતાની વસ્તુઓને વેચી શકે છે.
કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ "સસ્ટેનેબલ એન્ડ રી- યુઝ" ના કોન્સેપ્ટ પર આધારિત હોય છે. જેથી લાંબા સમય સુધી પટોળા કે બીજી વસ્તુઓ પેઢીઓ સુધી બગડતી નથી. અને વિવિધ કલાકૃતિ વાળી વસ્તુઓ તમે http://www.rtefacts.comઅહીં જોઈ શકો છો. અને આવનારા સમયમાં ગુજરાત ટુરીઝમના સહયોગથી ભારત દેશના કારીગરોને પોતાની વસ્તુ પ્રદર્શિત કરવા માટે વિદેશ મોકલવામાં આવશે.