વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પરનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આધેડ તેની કહેવાતી ગર્લફ્રન્ડને મળવા તેના ઘરે ગયો હતો. આ દરમિયાન આધેડની પત્ની, દીકરી અને બનેવી તેમની પાછળ યુવતીના ઘરે પહોંચ્યા હતા. જે બાદ પત્ની અને દીકરીએ યુવતીના વાળ પકડીને માર માર્યો હતો. આ અંગે યુવતીએ આ લોકો સામે માર મારવાની અને 50 હજાર રોકડા સામાનની લૂંટની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે, 23 વર્ષની યુવતી શહેરના આજવા રોડ પર રહેતી મુંબઇમાં આઇટીનો અભ્યાસ કરે છે. આ યુવતી શહેરના વાઘોડિયા રોડ પર રહે છે. દેડિયાપાડાનો આધેડ વેપારી અને યુવતીને મિત્રતા હતી. તેઓ અવારનવાર મળતા પણ હતા. બીજી તરફ વેપારીના પરિવારને આ બંનેના સંબંધો પર શંકા હતી. વેપારી 26 ઓક્ટોબરના રોજ યુવતીના ઘેર દશેક વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. જ્યાં મળવા આવેલા મિત્રની તબિયત બરાબર ન લાગતાં તેને હોસ્પિટલ જવા યુવતી તૈયાર થઇ હતી. દરમિયાન ફ્લેટના ગેટ નીચે આધેડની પત્ની, પુત્રી અને બનેવી આવી પહોંચ્યાં હતાં.
આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને પુત્રીએ વાળ પકડીને યુવતીને માર માર્યો હતો. જ્યારે પત્નીના બનેવી અને તેમની સાથે આવેલા વ્યક્તિએ પણ માર માર્યો હતો. જ્યારે આધેડની દીકરીએ યુવતીનું પર્સ ઝૂંટવી તેમાંથી રોકડા 50 હજાર રૂપિયા, મોબાઈલ અને વિવિધ કાર્ડ લઇ લીધાં હતાં.