વડોદરા : શહેરમાં (rainfall in Vadodara) સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. ક્યાંક ધીરી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (rainfall update) વરસ્યો છે. શહેરમાં છેલ્લા 18 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરનાં મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાયું છે. વરસાદને કારણે શહેરના રાજમહેલ રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં પણ પાણી ભરાયા છે. આ સાથે આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થઇને 211 ફૂટે પહોંચી છે. જેના કારણે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની શરૂઆત થઇ ગઇ છે.
વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધ્યું
આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થઇને 211 ફૂટે પહોંચી છે. આજવા જળાશયમાં 15 ઓગસ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાની છે. વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલી સૂચના પ્રમાણે આજવાની સપાટી વધીને 211.20 ફૂટ થઈ હતી. જેને પગલે આજવા ડેમના દરવાજા આંશિક રીતે ખોલવામાં આવ્યા છે. જેના કારણે, શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 11.75 ફૂટ થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધવાની શક્યતા છે.
ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી 87.85 મીટર થી વધીને 87.91 મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.3,4,5 અને 6ને 0.45 મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાઘોડિયા, ડભોઇ અને વડોદરા ગામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા, કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર