વડોદરા શહેરથી 22 કિલોમીટર દૂર રાભીપુરાના તલાટી કમ મંત્રીએ અઢી વર્ષની મામુમના જન્મના દાખલાને બદલે મરણનો દાખલો આપી દેતા હોબાળો મચ્યો હતો. ઘટના સંદર્ભે રજૂઆત થતા ઘોર બેદરકારી દાખવનાર તલાટી કમ મંત્રીને નોટીસ પાઠવી ખુલાસો પૂછી શિક્ષાત્મક પગલા ભરશે.
આલમગીર-રાભીપુરા જુથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.સી. પટેલે ઘોર નિષ્કાળજી દાખવી અઢી વર્ષની માસુમ બાળકી શક્તિ માટે જન્મનો દાખલો આપવાને બદલે તેના પિતા મિથિલ ઉર્ફે રંગો સી પટેલને મરણનો દાખલો પકડાવી દીધો હતો. ઘટનાના પગલે ભારે હોબાળો થયો હતો.
તલાટી કમ મંત્રી સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે બાળકીના દાદાએ તાલુકા વિકાસ અધિકારી હિતેન્દ્ર સી પટેલને રજૂઆત કરી હતી. ઘટના સંદર્ભે ટી.ડી.ઓ.એ જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન ન હોવાના લીધે સમજ ફેર થતા ગંભીર પ્રકારની ક્ષતિ સર્જાઇ હતી. અલબત્ત ઘટના સંદર્ભે હજી સુધી મૌખિક રજૂઆત જ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, શહેર નજીકના રાભીપુરા ગામે રહેતા મિથિલ પટેલ પોતાની અઢી વર્ષની બાળકી શક્તિને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા. જેથી અંગ્રેજી ભાષામાં લખેલો જન્મનો દાખલો લેવા ગ્રામ પંચાયતની કચેરીમાં ગયા હતા. જ્યાં સરકારી તંત્રની તુમારશાહીને પગલે કોઇ વ્યક્તિએ અંગ્રેજીમાં પ્રીન્ટ કરેલો દાખલો ભરી આપી સિક્કા મારી આપ્યા હતા. જેને ચકાસ્યા વગર જ તલાટી કમ મંત્રીએ સહી કરી બાળકીના પિતાને ભલતો દાખલો પકડાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર