Vadodara Top News: વડોદરામાં નર્મદા વિકાસ રાજ્યમંત્રીએ નિ:શુલ્ક આરોગ્ય શિબિરનો પ્રારંભ કરાવ્યો, PM મોદીના જન્મદિવસ સહિત કુલ 21 જન આરોગ્ય કેમ્પ યોજાશે. ઋતુજન્ય રોગચાળાને (Epidemic in vadodara) ડામવા અને જનઆરોગ્યના સંવર્ધનના આશયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે મેયર કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. વડોદરાના ગોરવા ખાતેની વીર સાવરકર નગર પ્રાથમિક શાળા ખાતે શરૂ કરવામાં આવેલ આ જન આરોગ્ય સેવા યજ્ઞમાં તબક્કાવાર કુલ 21 નિ:શુલ્ક જેટલા આરોગ્ય કેમ્પ યોજવામાં આવશે. રાજ્યમંત્રી યોગેશ પટેલે કોરોનાકાળમાં સેવાકીય કાર્યો કરનારને બિરદાવવાની સાથે શહેરના પ્રાથમિક પ્રશ્નોને ઉકેલવા માટે ઠોંસ પગલાં ભરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, જન આરોગ્યની જાણવણી માટે તબક્કાવાર 21 જેટલા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની આગેવાનીમાં આ સેવાકાર્યોમાં સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને ટીમ આયુષના સયુંક્ત સહકારથી લોકોની નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કરવામાં આવશે. આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે, 25 સપ્ટેમ્બરે પંડિત દિનદયાળ અને બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મ જયંતીએ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
2. સ્વ.જે.જી.માહુરકર (દાદા)ની પ્રથમ પૂણ્યતિથિના ભાગરૂપે મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વ.જે.જી.માહુરકર (દાદા), ભૂતપૂર્વ મહામંત્રી, વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, એન.એફ.આઈ.આર. ની પ્રથમ પૂણ્યતિથિ હોવાથી તેમને શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્ત દાન શિબિરનું ઉદ્ઘાટન માનનીય રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે પુષ્પ અર્પિત કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમીત ગુપ્તા-ડિવિઝનલ રેલ્વે મેનેજર વડોદરા, ઉદય માહુરકર-ડેપ્યુટી ચીફ એડિટર ઇન્ડિયા ટુડે ગૃપ અને ઇન્ફોર્મેંશન કમિશ્નર, ડો. વિજયશાહ ,ડૉ. ક્રિષ્ણકુમાર ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, વડોદરા જેવા તમામ અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
3. વડોદરા જિલ્લામાં કોરોના રસીકરણ: ટાર્ગેટ સામે 86% લોકોને પહેલો ડોઝ અને 80% લોકોને બીજો ડોઝ આપવાનું લક્ષ્યાંક સિદ્ધ
પ્રથમ ડોઝના કવરેજની વડોદરા જિલ્લામાં રાજ્યની સરેરાશથી વધુ કામગીરી થઈ છે અને રસીકરણ નકશામાં જિલ્લાને હરિત રંગ પ્રદાન કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું કે, તમામ પ્રકારે કામગીરી કરતા વડોદરા જીલ્લામાં આજ દિન સુઘીમાં પહેલા ડોઝના ટાર્ગેટ 10,97,673ની સામે 9,39,163ના વેકસીનેશનથી 85.6% કામગીરી પૂરી થઈ છે.
બીજા ડોઝના 3,97,657ના ટાર્ગેટ સામે 3,16,169ના વેકસીનેશનથી 79.56% કામગીરી પૂર્ણ કરી છે. પહેલા ડોઝ પછી નિયત સમય મર્યાદા પૂરી થયે રસી લેનાર બીજા ડોઝને પાત્ર બને છે. યાદ રહે કે એ સંદર્ભમાં ટકાવારી ગણવામાં આવી છે. વડોદરા જીલ્લાના 218 ગામોમા રસીના પહેલા ડોઝના 100% વેકસીનેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.