વડોદરા: વડોદરા શહેરમાં લવ જેહાદ (Love Jihad)ના નવા કાયદા હેઠળ તાજેતરમાં જ બે ફરિયાદ થઈ છે. શહેરમાં હવે એક પરિણીતાને પરેશાન કરતા વિધર્મી રોમિયોની ધોલાઈ (Man beaten in public) કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રોમિયો પરિણીતાને ફોન કરીને પરેશાન (Harassment) કરતો હતો. આ ઉપરાંત પરિણીતા પાસે બીભત્સ માંગણી પણ કરતો હતો. જે બાદમાં પરિણીતાના પતિએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. રોમિયોની ધોલાઈ કરીને તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી તસવીરોમાં આરોપી હાથ જોડીને માફી માંગી રહ્યો છે. આઉપરાંત પોતાની ભૂલ થઈ ગયાનું કબૂલી રહ્યો છે.
રોમિયોને મળવા બોલાવી મેથિપાક આપ્યો
મળતી માહિતી પ્રમાણે કરજણનો યુવક એક પરિણીતાને ફોન કરીને અશ્લીલ માંગણી કરતો હતો. જે બાદમાં પરિણીતાએ આ અંગેની વાત તેના પતિને કરી હતી. આ મામલે પરિણીતાના પતિએ કરજણના ગણપતપુરા ગામના ઇમરાન મન્સૂરીને તેની પત્ની પાસે ફોન કરાવી મળવા માટે બોલાવ્યો હતો. જે બાદમાં લોકોએ એકઠા થઈને યુવકની ધોલાઈ કરી હતી. આખરે આરોપીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.
આ મામલે પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, "મારા મોબાઇલ પર યુવકનો ફોન આવ્યો હતો. આથી મેં તેને ફોન કરીને ક્યાંથી બોલો છો એવું પૂછ્યું હતું. જેના જવાબમાં યુવક કંઈ બોલ્યો ન હતો અને હું ક્યાંથી બોલું છું તે પૂછ્યું હતું. મેં સોરી કહીને આજ પછી ફોન ન કરવાનું કહીને ફોન મૂકી દીધો હતો. જે બાદમાં યુવકે રોજ રોજ ફોન કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આખો દિવસ ફોન કર્યાં કરતો હતો. રાત્રે એક વાગ્યે પણ ફોન કરતો હતો. જે બાદમાં મેં મારા પતિને વાત કરી હતી કે કોઈ યુવક આવી રીતે પરેશાન કરે છે. મારા પતિએ મને યુવકને મળવા બોલાવવા માટે કહ્યું હતું. આજે અમે તેને પકડ્યો છે."
યુવકે પોતાનો ગુનો કબૂલ કરતા જણાવ્યું હતું કે, "મારું નામ ઇમરાન છે. હું કરજણનો રહેવાસી છું. મારી ભૂલ થઈ ગઈ છે. મારી માતા સમાન હતી પરંતુ મારી ભૂલ થઈ ગઈ છે. માસી મારા માતા સમાન છે. જિંદગીમાં પણ કોઈ દિવસ આવું કામ નહીં કરું. હું રોજ ફોન કરીને તેમને પરેશાન કરતો હતો. ત્રણ ચાર દિવસથી ફોન કરતો હતો."
કિસ્સો-1: વડોદરામાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 (The Gujarat Freedom of Religion (Amendment) Act 2021) પ્રમાણે પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.
કિસ્સો-2: વડોદરાના જ બીજા કિસ્સામાં એક યુવતીએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ લગ્ન પહેલા તેને હિન્દુ ધર્મ પાળવા માટે કહેતો હતો. પરંતુ લગ્ન થઈ ગયા બાદ તે ફરી ગયો હતો અને યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં, તેણે ભગવાનની તસવીરો અને મૂર્તિ પણ ફેંકી દીધી હતી. આ અંગે લગ્નના 10 મહિના બાદ પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફતેહગંજ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.