વડોદરાઃ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી એક ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ડોક્ટરે સુસાઇડ નોટમાં વ્યાજખોર અશોક બ્રહ્મભટ્ટના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલ ડોક્ટરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરનાર ડોક્ટર સાવલીમાં પ્રેક્ટિસ કરતા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે શહેરના તબીબ ડો. શરદકુમાર પારેખે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આજે તબીબ બેભાન અવસ્થામાં પોતાના ઘરમાંથી મળી આવ્યા હતા. તેમને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તબીબી ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે.
વ્યાજખોરના ચક્રમાં ફસાયા હતા તબીબ
ડોક્ટરના આપઘાતના પ્રયાસ અંગે ગોરવા પોલીસે તપાસ શરૂ કરી છે. શરદકુમારે આપઘાતના પ્રયાસ પહેલા લખેલી એક ચીઠ્ઠી પોલીસના હાથ લાગી છે. આ ચીઠ્ઠીમાં ગોરવાના અભયનગરમાં રહેતા અશોક બ્રહ્મભટ્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તબીબે 2008ના વર્ષમાં અશોક બ્રહ્મભટ્ટ પાસેથી રૂ. 6.25 લાખ ઉછીના લીધા હતા. આ બાબતે તેમણે નોટરી પણ કરી આપી હતી. જે બાબતે અશોકે તેમની સામે ચેક રિપોર્ટનનો કેસ પણ કર્યો હતો.
વ્યાજખોરને પૈસા ચુકવવા માટે શરદ કુમારે પોતાનું મકાન પણ વેચી દીધું હતું. ચેક રિપોર્ટનના કેસ બાદ તેમણે ટુકડે ટુકડે રૂ. 54 લાખ વ્યાજખોરને ચુકવી દીધા હતા. મકાન વેચી નાખ્યા બાદ વ્યાજખોરોએ રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર તેમની અને તેમના પત્નીની સહી કરાવી લીધી હતી. આ ઉપરાંત તેમની પાસેથી આઠથી દસ કોરા ચેક પણ લઈ લીધા હતા. આ ચેક અશોક બ્રહ્મભટ્ટે ફિરોઝ નામના વ્યક્તિને આપી દીધા હતા. જે બાદમાં તબીબ સામે ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી.
અંતે વ્યાજખોરો તરફથી અપાતા સતત માનસિક ત્રાસ અને પૈસા આપવાના દબાણથી કંટાળીને તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબીબે લખેલી ચીઠ્ઠીમાં તેમણે દુઃખની ઘડીમાં સાથ આપવા બદલ પત્ની, પુત્રી અને જમાઇનો આભાર માન્યો છે.