ગાંધીનગરઃ વડોદરામાં થયેલા કોમી તોફાનના પડઘા ગાંધીનગર સુધી પડ્યાં છે. ત્યારે વડોદરામાં DGP સહિત ઉચ્ચ અધિકારીઓની આ મામલે બેઠક યોજવામાં આવી હતી. વડોદરાના ત્રિનેત્ર સેન્ટરમાં યોજાયેલી બેઠકમાં નરસિમ્હા કોમર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે સીસીટીવીનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.
સાંજે કુંભારવાડામાં કોમી છમકલું
શહેરમાં વધુ એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ત્યારે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે SRP 2 ટુકડી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિત 500 જેટલા તાલીમાર્થી પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફતેહપુરા સહિત આસપાસના વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં અંદાજે ત્રણથી ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, પથ્થરામારાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ જોવા મળી રહ્યું છે. હાલ આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થયુ હતુ. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જોકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી.
વાહનોમાં પણ તોડફોડ
આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે. કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો.