અંકિત ઘોનસીકર, વડોદરા: શહેરમાં ધંધાની હરીફાઈમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. લેથ મશીનના ધંધાની ફરિફાઈમાં કરાયેલી હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં ભેદ ઉકેલી નાખ્યો છે. મકરપુરા વિસ્તારમાં રહેતા અને જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું ધરાવતા દિલીપ કુશાવહની રવિવારે તરસાલી હાઇવે પરથી લાશ મળી આવી હતી.
દિલીપ કુશવાહ શનિવારે ગુમ થતાં તેમની પત્નીએ પોલીસને જાણ કરી હતી. જ્યારે બીજા દિવસે તેમની લાશ મળી આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી હતી અને સીસીટીવી, મોબાઈલ અને અન્ય સર્વેલાન્સના આધારે પોલીસે હત્યારાને પકડી પાડયો છે. રવિકાન્ત યાદવે ધંધાની હરીફાઈમાં મિત્ર અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને દિલીપ કુશાવહને ધંધાની બાબતે ચર્ચા કરવાની હોવાનું કહીને બોલાવ્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દિલીપ કુશવાહ ત્રણ લેથ મશીન રાખીને કામ કરતો હતો અને તેને એ વી સ્ટીલ ફોજીન કંપનીમાંથી જોબ વર્ક મળતું હતું. આ કામ મેળવવા માટે આરોપી રવિકાન્ત યાદવે હત્યાનું કાવતરું ઘડ્યું અને અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને બાઈક પર લઈ જઈને તરસાલી બાયપાસ હાઈવે પર ઝાડીઓમાં ફેંકી દીધી હતી. હત્યા બાદ હત્યારો રવિકાન્ત યાદવ મૃતકના પરિવાજનોની સાથે હોસ્પિટલ અને લાશ મળી તે જગ્યાએ હાજર રહેતો હતો અને પોલીસની તપાસ પર પણ નજર રાખતો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચે એસએસજી હોસ્પિટલના પીએમ રૂમની બહાર ટોળામાંથી જ આરોપીને ઊંચકી લીધો હતો અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
જોકે, આ મામલે મૃતકના પરિવારજનો હત્યાની ઘટનામાં પડોશી સાથે ચાલતા દીવાલના ઝગડાને કારણભૂત માની રહ્યા હતા અને આ મામલે તેઓ પડોશીઓ પર સંકા વ્યક્ત કરતા હતા. જોકે, પોલીસે સમગ્ર મામલે ટેકનિકલ સોર્શનો ઉપયોગ કરીને હત્યારેને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.