વડોદરા: શહેરમાં રખડતાં શ્વાનના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શ્વાનને લીધે વધુ એક બાઇકચાલકને અકસ્માત નડ્યો છે. વહેલી સવારે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. શ્વાન બાઇક પાછળ ભાગતા બાઇક ચાલક ડરી ગયો હતો અને સ્પીડ બ્રેકર ન દેખતા બાઇકચાલક પટકાયો હતો. આ ઘટનામાં યુવકને ઇજા પહોંચી છે, જ્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શ્વાન બાઈકચાલક પાછળ દોડતાં ચાલક ડરી ગયો હતો
વડોદરામાં રખડતાં શ્વાનના કારણે વધુ એક બાઈક ચાલકનો અકસ્માત નડ્યો છે. જૂનીગઢી વિસ્તારમાં ભદ્ર કચેરી પાસે ગઈકાલે વહેલી સવારે પૂરપાટ ઝડપે જતાં બાઈકચાલકનો અકસ્માત થયો હતો. શ્વાન બાઈકચાલક પાછળ દોડતાં ચાલક ડરી ગયો હતો. બાઈકચાલક પરેશ જીંગરને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં પરેશ જીંગરને માથા, પાંસળીઓ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજમાાં જોઇ શકાય છે કે, શ્વાન પાછળ દોડતાં કેવી રીતે બાઇકચાલક ડરી જાય છે અને પૂરપાટ સ્પીડે જતાં સ્પીડ બ્રેકર ન દેખતાં તેનું સંતુલન બગડે છે. બેલેન્સ બગડતાં બાઇકચાલક પટકાય છે. યુવાન બાઇક પરથી પડી જાય છે અને રસ્તા પર પટકાય છે. બે-ચાર ગુલાંટ ખાઇ જતાં યુવાને માથા, પાંસળી અને ખભાના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખીય છે કે, શ્વાનના આતંકના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. શ્વાનના હુમાલની ઘટનાઓ તો બની જ રહી છે, પણ રાહદારીઓ પાછળ દોડવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે.