Home /News /madhya-gujarat /વડોદરા: દવા લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને રખડતાં ઢોરે લીધા અડફેટે

વડોદરા: દવા લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને રખડતાં ઢોરે લીધા અડફેટે

ઘરકામ કરતા વૃદ્ધાને હાથના ભાગે ફ્રેક્ચર

વડોદરા: રખડતાં ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા. ભૂતડી ઝાંપા પાસે ગાયના ટોળાએ વૃદ્ધાને લીધા અડફેટે. ઘરકામ કરતા વૃદ્ધાને હાથના ભાગે ફ્રેક્ચર.

    અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવામાં નિષ્ફળ ગયું છે. વડોદરાના ભૂતડી ઝાંપા પાસે ગાયોના દોડતા ટોળાને જોઈને રોડની બાજુમાં ઊભા થઈ ગયેલા એક વૃદ્ધાને ટોળા પૈકીની એક ગાયે અડફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું છે.

    વૃદ્ધા દવા લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના

    નાગરવાડાના સંતોષીમાતાની પોળમાં 62 વર્ષીય મુક્તાબેન હમીરભાઇ વડીયાતર પુત્ર શૈલેષ સાથે રહે છે અને બંગલાઓમાં ઘરકામ કરી પુત્રને મદદરૂપ થાય છે. મુક્તાબેન કાસમઆલા કબ્રસ્તાન પાસે ક્લિનીકમાં દવા લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂતડી ઝાંપા રોડ ઉપર ગાયોનું ટોળું દોડતું ધસી આવ્યું હતું. ગાયોના દોડતા ટોળાને જોઈ મુક્તાબેન રોડની બાજુમાં ઊભા થઈ ગયા હતા. તે દરમિયાન એક ગાયે તેમને અડફેટે લીધા હતા. ઘરે ગયા બાદ મુકતાબેનને હાથમાં દુખાવો થતાં તેનો પુત્ર હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં તબીબોએ હાથના એક્સ-રે કરીને તપાસ કરતા ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું.

    આ પણ વાંચો: કૂતરા ભસતા ડરેલો યુવક ઘરમાં ઘૂસ્યો, ગ્રામજનોએ ચોર સમજી પતાવી દીધો

    શહેરીજનોમાં પાલિકા સામે ભારે રોષ

    અવારનવાર રખડતાં ઢોરો દ્વારા થઈ રહેલા હુમલાના પગલે શહેરીજનોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરવા માટે ત્રણ શિફ્ટમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર રખડતા ઢોરના ત્રાસમાં કોઈ જ ઘટાડો થયો નથી.

    વિપક્ષનો પ્રહાર

    જોકે, આ મુદ્દે વિપક્ષે પ્રહાર કરતાં કહ્યું હતું કે, રખડતા ઢોર લોકોને અડફેટ લઇ રહ્યા છે. કોર્પોરેશન માત્ર બતાવવા પૂરતી કામગીરી કરે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેતું નથી. ઇજાગ્રસ્ત લોકો રખડતા ઢોરની અડફેટે આવતા સારવાર માટે હજારો રૂપિયા ચૂકવતા હોય છે તો કોર્પોરેશન દ્વારા તેમને વળતર પણ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

    શું કહે છે ડેપ્યુટી કમિશનર?

    વડોદરા શહેરના રાજમાર્ગો પર રખડતી ગાયોનોના ત્રાસમાંથી શહેરીજનોને ક્યારે મુક્તિ મળશે તે કહેવું અશક્ય છે. આ અંગે ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે, કોર્પોરેશનનું તંત્ર ઢોર પકડવા માટે ત્રણ સીટની અંદર કાર્યરત છે, પરંતુ અમુક વખત ઢોર માલિકો છૂટાછાયા ઢોર મૂકી દે છે. તેને કારણે આવા બનાવો બને છે. ઢોર પકડવાની કામગીરી હજુ પણ નક્કર બનાવવાની છે અને જે રજૂઆત આવી છે તે પણ ધ્યાનમાં લેવાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Stray Cattle, Vadodara

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો