વડોદરા શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌર મૂળ ઉત્તર પ્રદેશના સામલી ગામના વતની છે.ઇન્દ્રજીત કૌરે હાલમાં જ 1 કલાક 14 મિનિટમાં 2600 સ્કવોટ્સનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.
Nidhi Dave, Vadodara: "ઉંમરને કોઈ બાંધ નથી હોતી" આ કહેવતને વડોદરા શહેરની 51 વર્ષીય મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. વડોદરા શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌર મૂળ ઉત્તર પ્રદેશના સામલી ગામના વતની છે. તેથી રૂઢિચુસ્ત પરીવાર હોવાના કારણે તેણી માટે સ્પોર્ટ્સમાં આગળ વધવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ હાર ન માનતા આગળ વધ્યા અને પોતના બાળકોના સાથ સહકારથી આજે સ્ક્વોટ કવીન તરીકે ફેમસ છે.
ઇન્દ્રજીત કૌરે હાલમાં જ 1 કલાક 14 મિનિટમાં 2600 સ્કવોટ્સનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. 51 વર્ષના હોવા છતાં પણ તેઓ આજે જિમ ટ્રેનર છે અને સાથે સાથે બે છોકરાઓની માતા પણ છે.
ઇન્દ્રજીત કૌરનું સપનું છે કે, બીજા માટે રોલ મોડલ સાબિત થાય અને સંસ્કારી નગરી વડોદરા એ ફિટ વડોદરા તરીકે જાણીતું બને. રૂઢિચુસ્ત પરિવારમાંથી હોવા છતાં પણ તેમણે હાર ન માની, અને આજે સ્ક્વોટ કવીન તરીકે પ્રસિદ્ધિ હાંસલ કરી છે.
આજના પુરુષોના શાસનમાં જ્યારે જિમ ટ્રેનરની વાત આવે ત્યારે મનમાં એક જ વિચાર આવે કે તે પુરુષ જ હોય !!! પરંતુ હવે જમાનો બદલાઈ રહ્યો છે, જીમ ટ્રેનરમાં પણ મહિલાઓ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. ઇન્દ્રજીત કૌરે 51 વર્ષની ઉંમરે પોતાના મનપસંદ જીમમાં જિમ ટ્રેનર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સ્ક્વોટ કવીન ઇન્દ્રજીત કૌરે જણાવ્યું કે, મારો રોલ મોડલ હોલિવુડનો સુપરસ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન છે. જે રીતે તેઓ મહેનત કરીને આગળ આવ્યા છે, પોતાની તબિયત સારી ન હોવા છતાં હાર ન માની અને આજે તેઓ એક મુકામે પોહચ્યાં છે એવી રીતે હાર ન માનીને આગળ કેવી રીતે વધવું એ મેં એમની પાસેથી શીખ્યું છે.
મને પોતાને થાયરોડ હતો અને મારું વજન વધતું જ ગયું, મારાથી ઉભું પણ થવાતું ન હતું. ત્યારે મેં હિંમત કરીને કસરત ચાલુ કરી અને આજે હું રોગમુક્ત છું.
દિવસ દરમિયાન બે થી અઢી કલાક કસરત કરું છું અને ઘરનું બનાવેલું જમવાનું જમું છું. બહારના જંક ફૂડની પરેજી રાખી, વધુ માત્રામાં પાણીનું સેવન ( દિવસનું 7 લીટર) કરી રહી છું.
ઇન્દ્રજીત કૌર બાળપણથી એક ખૂબ સારા કબડ્ડી પ્લેયર રહી ચૂક્યા છે. પરંતુ પરિસ્થિતિ અનુકૂળ ન રહેતા સ્પોર્ટ્સ છોડવું પડ્યું હતું. ત્યારબાદ 40 વર્ષની ઉંમરે ફરી એક વખત સ્પોર્ટ્સની દુનિયામાં પગ મૂક્યો, જેમાં બાળકોના સહકારથી એક માતા આજે પોતાના શોખ અને સ્વપ્નાને પુરા કરી રહી છે.