વડોદરા : ટ્રકે ટક્કર મારતા બે યુવકોનાં મોત, બાઇક ટ્રક સાથે જ ઢસડાયું

News18 Gujarati
Updated: October 11, 2019, 1:51 PM IST
વડોદરા : ટ્રકે ટક્કર મારતા બે યુવકોનાં મોત, બાઇક ટ્રક સાથે જ ઢસડાયું
અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી.

બાઇકનું પાછળનું હેન્ડલ ટ્રકની જાળીમાં ફસાતા બાઇક 200 મીટર સુધી ઢસડાયું હતું, બાઇક ચાલક ફંગોળાઈને નીચે પડતા ઉપર વ્હીલ ફરી વળ્યું.

  • Share this:
ફરિદખાન, વડોદરા : ગોલ્ડન ચોકડી પાસેના વડોદરા-હાલોલ ટોલનાકાથી અંદાજીત એક કિ.મી.ની દૂર મોડી રાત્રે એક ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરમાં બાઇકમાં સવાર બંને લોકોનાં મોત થયા હતા. ટ્રકની આગળના ભાગે લાગેલી જાળીમાં બાઇક ભરાઇ જતાં અંદાજીત 200 મીટર સુધી ઢસડાયું હતું.

ટક્કર બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરખી કાબૂ ગુમાવી દેતા લોડેડ ટ્રક રસ્તા પર પલટી મારી ગઈ હતી. જે બાદમાં ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવ અંગે સ્થાનિક સૂત્રોના જણાવ્યાં મુજબ, ગુરૂવારે રાતે 11 વાગ્યાના અરસામાં વડોદરા-હાલોલ રોડ પરના આમલીયારા ગામ પહેલા ખાંડની બોરીઓ ભરેલા ટ્રક ચાલકે આગળ જઇ રહેલી બાઇકને અડફેટે લીધી હતી.

ટક્કર બાદ બાઇકનું પાછળનું હેન્ડલ ટ્રકની જાળીમાં ભરાઇ ગયું હતું. બાઇક પર સવાર વાઘોડીયાના મોરબીપુરા ગામના પ્રકાશભાઇ પ્રભાતસિંહ પટેલ અને ભાર્ગવસિંહ સોમાભાઇ બારીયા આશરે 200 મીટર સુધી ટ્રકની સાથે જ ઢસળાયા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર પલટી ગયો હતો. જેના કારણે બેમાંથી એક યુવક પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જ્યારે બીજો યુવક ફંગોળાઈને નીચે પડ્યો હતો. ટ્ર્કમાંથી ખાંડની બોરીઓ યુવક પર પડતાં તેનું મોત થયું હતું. અકસ્માત વખતે બાઇક સવારે પહેરેલું હેલ્મેટ ફંગોળાયું હતું.

મોડી રાતે સર્જાયેલા વિચિત્ર અકસ્માતની જાણ તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડને કરાતા બંને ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બનાવ બાદ ટ્રકનો ડ્રાઇવર અને કંડક્ટર ફરાર થઈ ગયા હતા. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर