વડોદરા : નેશનલ હાઇવે પર ગોલ્ડન ચોકડી અને દુમાડ વચ્ચે મોડી રાતે લગ્નની જાનૈયા ભરેલી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસનાં ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું છે. જ્યારે 23 જાનૈયાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
મોડી રાતે અકસ્માત થયો
મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ સુરતથી જાનૈયા લઇને અંબાજી જવા માટે નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસનાં મહિસાગરનાં રહેવાસી ચાલક સહદેવભાઇ પ્રભાભાઇ રબારી તેમજ લકઝરી બસના ક્લિનરનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. જ્યારે લકઝરી બસમાં સવાર 23 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે બસ કાપીને મૃતદેહો કાઢ્યાં
આ અકસ્માતમાં કોટન ભરેલી ટ્રકને તેની પાછળ જતાં ટ્રેલરે ટક્કર મારી આગળ નીકળી ગઇ હતી. તે સાથે કોટન ભરેલી ટ્રકની પાછળ આવતી લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે બાદ ફાયરની ટીમે બસમાં ફસાયેલા ચારથી પાંચ મુસાફરોનો રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે ડ્રાઇવર અને ક્લિનરને કટરની મદદથી કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ અકસ્માતને કારણે રાતે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. હરણી પોલીસ ઘટના સ્થળે આવીને ટ્રાફિકને કાબુમાં કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર