સયાજી બાગના પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ માટે ખાસ સુવિધા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડી પડી રહી છે, ત્યારે વડોદરામાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
Nidhi Dave, Vadodara: હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે વડોદરા શહેરના સયાજીબાગના પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણી, પક્ષીઓ માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. ઠંડકથી બચવા માટે ઘાસના પુડા મુકવામાં આવ્યા છે. ગ્રીન નેટ વાળા પડદા લગાવી દેવામાં આવ્યા છે તથા દરેક પિંજરાઓમાં ઘાસની નાની નાની ઝૂંપડીઓ પણ બનાવવામાં આવી છે. જેથી કરીને પક્ષીઓને પ્રાણીઓને હૂંફ મળી રહે. તદુપરાંત ખોરાકમાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિયાળામાં ખવાતા ફળો શાકભાજીઓ આપવામાં આવી રહ્યા છે.
ઠંડા પવન રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા
ઝુ કયુરેટર ડો. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આવી ગયો છે. જેમાં અમુક દિવસો કોલ્ડ વેવ જેવા હોય, તો એવામાં પ્રાણી પક્ષીઓને ઠંડીની ઋતુથી બચવા માટે ઝુમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે નાના પક્ષીઓ છે, એમના પિંજરાઓની ફરતે ગ્રીન નેટ લગાવી દેવામાં આવી છે. સાંજે સહેલાણીઓનો સમય પૂર્ણ થયા બાદ ગ્રીન નેટ પાડી દેવામાં આવે છે. જેથી પવન રોકાઈ જાય અને પક્ષીઓને ગરમાટો મળી રહે.
ઘાસની નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવી
પક્ષીઓના શરીરનું તાપમાન મનુષ્યના શરીરના તાપમાન કરતા આંશિક વધુ હોય છે. એટલે પક્ષીઓમાં ઉષ્ણતા વધારે હોય છે. છતાં પણ કોલ્ડ વેવના કારણે ગ્રીન નેટના પડદા લગાવી દીધા છે તથા જે મરઘાં કુળના પક્ષીઓ માટે ઘાસની નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં આવી છે. તદુપરાંત જે માંસાહારી પ્રાણીઓ છે, એમના માટે જે બે વર્ષથી નવીન પિંજરા બનાવેલા છે. એમાં તાપણાની જરૂર પડતી નથ તથા કંતાન કે સૂકા ઘાસના ભુકાનું ગાદલું પણ મૂકી આપીએ છે. તેના પર બેસે કે સુવે ત્યારે ગરમાટો મળી રહે.
શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી ખોરાક
હાલ શહેરનું જે તાપમાન છે એને જોઈને હીટરની હાલ જરૂર નથી. પરંતુ ભવિષ્યમાં જો કોઈ એવી જરૂરિયાત જણાશે, હિટરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.પ્રાણી પક્ષીઓને ઋતુ પ્રમાણે જમવાનું આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આવતા જે શાકભાજી અને ફળફળાદીઓ ઉપલબ્ધ હોય છે, એ ખોરાકમાં આપવામાં આવે છે. ઠંડીના ઋતુ દરમિયાન તૈલી બી, મગફળી, મધ, ગોળનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.