ટેટૂ ડિઝાઇનમાં આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોને દર્શાવવાનો હેતુ...
વડોદરાનો ઇશાન રાણા સતત 120 કલાક ટેટૂ પડાશે અને વિશ્વ રેકોર્ડ બનાવવા પ્રયાસ કરશે. તેમજ દર ચાર કલાકે 20 મિનિટ આરામ લેશે. શાહી લગાવવા માટે લગભગ 700 થી 800 સોય, 500 બોટલ શાહી અને મશીનોનો ઉપયોગ કરીશ.
Nidhi Dave, Vadodara: વડોદરાના યુવા ટેટૂ આર્ટિસ્ટ ઈશાન બિપીનભાઈ રાણાએ પાંચ દિવસ સુધી 120 કલાક સતત ટેટૂ કરવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેનો હેતુ ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો અને વિશ્વના નકશા પર વડોદરાને ટેટૂ હબ તરીકે મૂકવાનો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના આ પ્રયાસમાં લગભગ 45થી વધુ લોકો ટેટૂ કરાવવા સંમત થયા છે.
45 સ્વયંસેવકમાં નાગાલેન્ડ અને યુએસએના છે
વડોદરા શહેરના શાહી ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવવા માટે ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ પર શાહી લગાવવાની શરૂઆત કરી છે. ઈશાને તેના ટેટૂઝ માટે સ્મારકો, હેરિટેજ સાઇટ્સ, સંસ્કૃતિ અને મૂલ્યોને વિષય તરીકે પસંદ કર્યા છે.
આત્મવિશ્વાસ સાથે ઈશાને કહ્યું હતું કે, “આ એક ગર્વની ક્ષણ છે કારણ કે હું મારી કલામાં ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો અને મારા શહેરને વિશ્વના નકશા પર મૂકવાનો ધ્યેય રાખું છું.
લગભગ 45 સ્વયંસેવકો બંને પુરુષ અને સ્ત્રી ટેટૂ કરાવવા માટે સંમત થયા છે અને મને સિદ્ધી સુધી પહોંચવામાં મદદ કરશે. કેટલાક સ્વયંસેવકો નાગાલેન્ડ અને યુએસએના છે.
120 કલાક ટેટૂ પાડશે, ચાર કલાકે 20 મિનિટનો વિરામ લેશે
ઇશાન છેલ્લા 14 વર્ષથી ટેટૂ ફિલ્ડમાં કાર્યરત છે અને છેલ્લા 8 વર્ષથી ગોત્રી વિસ્તારમાં “ઈશુ ઈન્ક ટેટૂઝ” નામનો ટેટૂ સ્ટુડિયો ચલાવે છે. ઈશાન આ રેકોર્ડ આજરોજ 3 માર્ચ (3.30 pm) થી શરૂ કર્યો અને આગામી 120 કલાક પૂરા કરીને 8મી માર્ચ સુધી નોન સ્ટોપ ચાલુ રાખશે.
જેમાં તેઓ દિવસ-રાત સતત ટેટૂ પાડશે અને ફક્ત દર 4 કલાકે 20 મિનિટનો વિરામ લઈ શકશે. સતત 63 કલાક ટેટૂ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. સતત ટેટૂ કરાવવાનો આ રેકોર્ડ નોંધાવવાનો વડોદરા શહેરમાંથી આ પ્રથમ પ્રયાસ છે.
ઈશાને વધુમાં કહ્યું કે, “હું વિશ્વનો ત્રીજો અને ભારતનો પહેલો કલાકાર છું જેણે આ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને 63 કલાક સતત ટેટૂ કરાવવાનો અગાઉનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરીશ. હું રેકોર્ડ દરમિયાન તમામ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાનું પાલન કરીશ. કારણ કે, સફળ પ્રયાસ માટે મારે દરેક જરૂરી વિગતો રેકોર્ડ કમિટીને પૂરી પાડવાની હોય છે.
લક્ષ્મી વિલાસ પેલેસના પ્રથમ ટેટૂથી શરૂઆત કરી
આ રેકોર્ડ નોંધાવવા માટે ઈશાન રાણા પોટ્રેટ, ઐતિહાસિક ઈમારત, લાઈન આર્ટ, કોન, ગુજરાતી સાહિત્ય, આદિવાસી અને આધ્યાત્મિક ડિઝાઈન જેવા વિવિધ પ્રકારના ટેટૂ બનાવશે. જેમાં વાર્તા હશે. લક્ષ્મી વિલાસ પેલેસના પ્રથમ ટેટૂથી શરૂઆત કરી હતી. હેરિટેજ થીમ પર લક્ષ્મી વિલાસ પેલેસ, રાવપુરા ટાવર (ઐતિહાસિક ઇમારત), સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવના ટેટૂ મુખ્ય આકર્ષણ રહેશે. આ માટે તે ઉચ્ચ ગુણવત્તાના સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે.
ઉચ્ચ ગુણવત્તાની સોય, શાહી અને મશીનોનો ઉપયોગ
વધુમાં જણાવ્યું કે, “હું શાહીથી આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને મૂલ્યોને પ્રદર્શિત કરતા ટેટુઝ બનાવીશ.જેને આપણે બધા સોશિયલ મીડિયાના પ્રભાવમાં ભૂલી રહ્યા છીએ. મેં આ રેકોર્ડ માટે લગભગ 94 ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સલામતી માટે હું ઉચ્ચ ગુણવત્તાની સોય, શાહી અને મશીનોનો ઉપયોગ કરી રહ્યો છું. આ વિશ્વ વિક્રમની સિદ્ધી માટે ખાસ મંગાવી છે. હું મારા મહેમાનોને શાહી લગાવવા માટે લગભગ 700 થી 800 સોય, 500 બોટલ શાહી અને મશીનોનો ઉપયોગ કરીશ.
ઈશાન છેલ્લા એક વર્ષથી આ રેકોર્ડ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. બરોડા શહેરને વિશ્વના નકશા પર મુકનાર આ વિશ્વ વિક્રમને અસરકારક રીતે અજમાવવા માટે તે તેના સૂવાના કલાકો ઓછા કરે છે અને મુખ્યત્વે પ્રવાહી આહાર લે છે.