આ વર્ષે 70,494 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 22 કેદી વિદ્યાર્થીઓની પણ થશે EXAM
આ વર્ષે 70,494 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 22 કેદી વિદ્યાર્થીઓની પણ થશે EXAM
examination
બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 22 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે.
વડોદરા: બોર્ડ (Borad Exams) હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં (Exam Centre) જવું પડે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) છે તેવા 22 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે.
બોર્ડ દ્વારા જે રીતે જુદી જુદી શાળાઓમાં પરિક્ષા માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી પરીક્ષાર્થીઓ માટે સેન્ટ્રલ જેલમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે અને બોર્ડ પ્રતિનિધિઓની નિગરાની હેઠળ તમામ નીતિ નિયમો અનુસરીને અને તકેદારીના નિયમો પાળીને જેલમાં બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે.
કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે, એસ.એસ.સી.એટલે કે ધોરણ દશની પરીક્ષા આપવા માટે 10 અને એચ.એસ.સી.એટલે કે 12 ધોરણની પરીક્ષા આપવા માટે 12 મળીને કુલ 22 કેદી પરીક્ષાર્થીઓ છે. જે હાલમાં ખૂબ ધ્યાનથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. 22 પૈકી 5 કાચા કામના કેદીઓ છે. જેમના પર હાલમાં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે અન્ય 17 કેદીઓ અદાલત દ્વારા સજા પામેલા એટલે કે પાકા કામના કેદીઓ છે. કેદી પરીક્ષાર્થીઓની ઉંમર 25 થી 35 વર્ષની છે. ભણવાની ઉંમરે જેઓ બહાર ના ભણી શક્યા એમને ભણતર આગળ વધારવાની તક જેલમાં રહીને મળી એ મહત્વની વાત ગણાય.
કેદી પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે વાંચન અને પરીક્ષાની તૈયારીઓ માટે જુદી બેરેક રાખવામાં આવે છે. જો કે આ વર્ષે સંખ્યા ઓછી હોવાથી તેઓ પોતાની બેરેકમાં જ પૂર્વ તૈયારી કરી રહ્યાં છે. બોર્ડ પરીક્ષા આપવા માટે નિયમિત વિદ્યાર્થીઓ તેમની શાળાઓમાંથી સામાન્ય રીતે પરીક્ષા ફોર્મ ભરે છે. જો કે કેદીઓ એવી કોઈ શાળાના નિયમિત વિદ્યાર્થીઓ નથી. એટલે તેમના ફોર્મ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માધ્યમથી, તે સૂચવે તે પ્રમાણેની શાળામાંથી ઓનલાઇન ભરવામાં આવે છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં બીજા પ્રવેશ દ્વાર પછી વિશાળ ખુલ્લી જગ્યામાં ઓપન થીયેટર છે. તેની સામે આવેલી કવોરનટાઈ્ન બેરેકને તમામ સુવિધાઓ બોર્ડના ધારાધોરણ પ્રમાણે રાખીને બોર્ડ પરીક્ષા કેન્દ્રમાં ફેરવવામાં આવશે. સી.સી.ટીવી સહિત ચુસ્ત નિગરાની અને તકેદારી હેઠળ પરીક્ષા લેવામાં આવશે. આ કેદી વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો, અપેક્ષિતો જેવું જરૂરી સાહિત્ય પૂર્વ તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેઓ સ્વ અભ્યાસ કરે છે અને સુશિક્ષિત સાથી કેદીઓ તેમને જરૂરી કોચિંગ આપે છે.
જેલમાં રહીને ભણવાની આ ધગશને જેલ અને બોર્ડના સત્તાધિકારીઓ દ્વારા પીઠબળ મળવાથી કેદમાં હોવા છતાં તેમના માટે શિક્ષણના દ્વાર ખુલ્યા છે. આ શિક્ષણ તેમને નવા જીવનના માર્ગે લઈ જાય, સમાજ માટે સંપત્તિ રૂપ બની તેઓ આ કપરા કસોટી કાળમાંથી બહાર આવે એવી જેલ સત્તાધીશો આશા રાખી રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર