Home /News /madhya-gujarat /VADODARA:સયાજી હોસ્પિટલના રેડીએશન ઓંકોલોજી વિભાગનું ત્રીજું આયામ,કેન્સરની નજીવી રકમમાં થશે સારવાર

VADODARA:સયાજી હોસ્પિટલના રેડીએશન ઓંકોલોજી વિભાગનું ત્રીજું આયામ,કેન્સરની નજીવી રકમમાં થશે સારવાર

દિલ્હીના હીમેટો ઓંકોલોજીના નિષ્ણાત તબીબ વડોદરા આવીને આપે છે માર્ગદર્શન..

સયાજી હોસ્પિટલના રેડીએશન ઓંકોલોજી વિભાગનું ત્રીજું આયામ,છેલ્લા મહિના દરમિયાન ચાર દર્દીઓને આ નવી સારવારનો લગભગ વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો છે.

વડોદરા: મધ્ય ગુજરાતની સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) રેડીએશન ઓંકોલોજી વિભાગને (The department of Radiation oncology) રાજ્યના આરોગ્ય તંત્રે કેન્સરની વિકિરણ આધારિત વેદનારહિત સારવાર માટે કરોડો રૂપિયાના અદ્યતન યંત્રોથી સજ્જ કર્યો છે. તબીબી અધિક્ષક રંજન કૃષ્ણ ઐયરના પીઠબળથી આ વિભાગમાં હવે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કેન્સરની (Cancer) સારવારની અતિ અદ્યતન સુવિધા ઉમેરાઈ છે તેમ વિભાગના વડા ડો.અનિલ ગોયલે જણાવ્યું છે.

છેલ્લા મહિના દરમિયાન ચાર દર્દીઓને આ નવી સારવારનો લગભગ વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી સ્થિત જાણીતા નિષ્ણાત તબીબ ડો. મિતકુમારની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક તબીબો અને તબીબી સહાયકોની ટીમ આ સારવાર આપે છે અને તેના સારા પરિણામો મળી રહ્યાં છે. બ્લડ કેન્સર અને હીમેટોલોજીકલ ડીશઓર્ડર (રક્ત વિકાર)ની સારવાર પછી આ એક નવું આયામ ઉમેરાયું છે. છેલ્લા મહિના દરમિયાન ચાર દર્દીઓને આ નવી સારવારનો લગભગ વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો છે. ખાનગી દવાખાનાઓમાં આ સારવાર ખૂબ જ ખર્ચાળ ગણાય છે અને દરેકને પોષાય તેવી નથી. સી.એમ.સેતુની ખૂબ જ ઉમદા દર્દિલક્ષી વ્યવસ્થા હેઠળ ઉપરોક્ત તજજ્ઞ તબીબ વડોદરા આવીને સેવા આપી રહ્યાં છે જે રાજ્ય સરકાર દ્વારા લોકોની આરોગ્ય સંભાળ માટેની સુચિંતાની પ્રતીતિ કરાવે છે.

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એક અતિ અદ્યતન સારવાર પદ્ધતિ છે : ડોક્ટર

ડો.અનિલ ગોયલે જણાવ્યું કે, રાજ્ય સરકારે અમારા વિભાગ માટે રૂ. 25 કરોડના અદ્યતન, કેન્સરની સારવાર માટેના યંત્રોની વ્યવસ્થા કરી છે જે અન્ય ખાનગી દવાખાનાઓમાં ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે. છેક દિલ્હી થી વડોદરા આવીને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સારવારનું નેતૃત્વ કરનારા ડો.મિતકુમારનો જન્મ અને ઉછેર વડોદરામાં જ થયો હતો. તેમણે જણાવ્યું કે ડો.અનિલ ગોયલના માધ્યમ થી સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજનનો પરિચય થયો અને સી.એમ.સેતુ યોજના હેઠળ સાવ સામાન્ય સ્થિતિના દર્દીઓની સેવા કરવાની તક મેં ઝડપી લીધી. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એક અતિ અદ્યતન સારવાર પદ્ધતિ છે અને આ વિભાગના સ્થાનિક તબીબો અને તબીબી સહાયકો,સેવકોની ટીમની મદદ થી ખૂબ સારી રીતે આ સારવાર ચાલી રહી છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રથમ દર્દીને ચોવીસે કલાક સતત કાળજીભર્યા નિરીક્ષણ હેઠળ રાખીને માત્ર 15 દિવસની સારવાર પછી અમે રજા આપી હતી. અમે આ સારવારનો અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળે એવો પ્રયત્ન કરી રહ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું.



દર્દીઓને વિનામૂલ્યે અને અન્ય દર્દીઓને ખૂબ રાહત દરે સયાજી હોસ્પિટલના આ વિભાગમાં કેન્સરની અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે: ડો.ગોયલ

અત્યાર સુધીમાં આ પદ્ધતિથી રક્તકેન્સર (લિમ્ફોમા) થી પીડાતા 26 વર્ષના યુવાન દર્દી (એને ઓટોલોગસ સારવાર આપવામાં આવી), લ્યુકેમિયા પીડિત 26 વર્ષની મહિલા દર્દી, 11 વર્ષના છોકરાને અને 71 વર્ષની જૈફ ઉંમરના દાદીમા જે માયલોમાથી પીડાતા હતા, તેમની સારવાર આ વ્યવસ્થા હેઠળ કરવામાં આવી છે. જેઓ મા અને પી.એમ.જે. વાય કાર્ડ ધરાવે છે તેવા દર્દીઓને વિનામૂલ્યે અને અન્ય દર્દીઓને ખૂબ રાહત દરે સયાજી હોસ્પિટલના આ વિભાગમાં કેન્સરની અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે તેમ ડો.ગોયલ જણાવે છે. તેમણે જરૂરિયાતવાળા દર્દીઓને આ વ્યવસ્થાનો લાભ લેવા જણાવ્યું છે.રક્ત કેન્સરના દર્દીઓમાં ઘણીવાર રોગ નવેસરથી ઉથલો મારે છે. તેવા સમયે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર ઉપયોગી બને છે.

આ પણ વાંચોVADODARA : SSG હોસ્પિટલમાં થાય છે એપિલેપ્સી બિમારીની સારવાર, રાહતદરે દર્દીઓને અપાય છે દવાઓ

હાલમાં ઉપલબ્ધ સાધન સુવિધા હેઠળ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે : ડો. મિતકુમારનું સૌજન્ય

ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 થી 12 લાખ આ સારવાર માટે ખર્ચવા પડે છે. અમારા વિભાગને સાયબરનાઈફ અને ટોમોથેરાપી જેવા યંત્રોની જરૂર છે. તેમ છતાં, હાલમાં ઉપલબ્ધ સાધન સુવિધા હેઠળ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. ડો. મિતકુમારનું સૌજન્ય અને ડો.રંજન ઐયાના પીઠબળથી આ શક્ય બન્યું છે તેમ ડો. ગોયેલનું કહેવું છે.સયાજી હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે જેની સારવાર સેવાઓનો લાભ રાજ્યના તમામ જિલ્લાઓ અને પાડોશી રાજ્યોના લોકો લઈ રહ્યાં છે. ત્યારે આ પહેલ હોસ્પિટલની સેવા સુવિધામાં નવો આયામ ઉમેરનારી બની રહી છે.
First published:

Tags: Vadodara, Vadodara Top News, વડોદરા શહેર, વડોદરા સમાચાર