Vadodara: મીઠી સુગંધ વાળા મહુડાના ફૂલની મોસમ પૂરી થતા, હવે ફળની મોસમ બેઠી
Vadodara: મીઠી સુગંધ વાળા મહુડાના ફૂલની મોસમ પૂરી થતા, હવે ફળની મોસમ બેઠી
ફળો નાની કેરી જેટલાં કદમાં વધે છે, તેને મહુડાની ડોળી તરીકે ઓળખવામાં આવે છે.
મધ્ય ગુજરાતના (Madhy Gujarat) કેવડી, જાંબુઘોડા (Jambughoda) અને રતન મહાલના (Ratan Mahal) જંગલોમાં હવે મહુડાના વૃક્ષો એ નવલું રૂપ ધારણ કર્યું છે, એના એકેએક ઘેઘૂર વૃક્ષોના લીલાકચ્ચ પાંદડે પાંદડેથી હરિયાળી જાણે કે નીતરી રહી છે.
વડોદરા: મધ્ય ગુજરાતના (Madhy Gujarat) કેવડી, જાંબુઘોડા (Jambughoda) અને રતન મહાલના (Ratan Mahal) જંગલોમાં હવે મહુડાના વૃક્ષો એ નવલું રૂપ ધારણ કર્યું છે, એના એકેએક ઘેઘૂર વૃક્ષોના લીલાકચ્ચ પાંદડે પાંદડેથી હરિયાળી જાણે કે નીતરી રહી છે. બળબળતી બપોરના અસહ્ય તાપમાંથી મહુડાના છાંયડે આશ્રય લેનાર મુસાફર અચાનક રોમેરોમ હાશકારો થાય એવી ટાઢક અનુભવે છે. કહેવાય છે કે, લીમડાની છાંય કરતાં પણ મહુડાની છાંય ખૂબ રાહત આપનારી છે.
ઉતરતા શિયાળે જ્યારે મહુડો ખૂબ મીઠી અને નશીલી સુગંધ વાળા ફૂલો થી છવાઈ જવા લાગે છે ત્યારે એનું એક એક પાન ખરી જાય છે. વસંતમાં પાનખર બેઠી હોય એવું દૃશ્ય સર્જાય છે. એની પર્ણવિહીન ડાળીઓ પર માત્ર ફૂલના ઝૂમખાં જોવા મળે છે. ગ્રીષ્મનું આગમન થાય અને ગરમ પવનો ફૂંકાવા લાગે ત્યારે મહુડો નવા પાંદડાંનો શણગાર સજવા લાગે છે. કલોરોફિલની વિપુલતાને લીધે આ લીલા મધુ પાન રેશમ જેવો ચળકાટ મારે છે.
ડોળી તેલીબિયાંની ગરજ સારે છે,તેમાંથી મહુડાનું તેલ મળે છે જેને આદિવાસીઓ ડોળીયું કે મહુડાના ઘી તરીકેઓળખે છે.
નવા પાનની સાથે એની ડાળીઓના છેડાઓ પર આંબાના નાના નાના મરવા જેવા ફળો લાગવાના શરૂ થાય છે. આ ફળો નાની કેરી જેટલાં કદમાં વધે છે. તેને મહુડાની ડોળી તરીકે ઓળખવામાં આવે છે. આ ડોળી તેલીબિયાંની ગરજ સારે છે કારણ કે તેમાંથી મહુડાનું તેલ મળે છે જેને આદિવાસીઓ ડોળીયું કે મહુડાના ઘી તરીકે ઓળખે છે.આ તેલ ખાદ્યતેલ તરીકે અને ઔધોગિક વપરાશમાં કામ આવે છે. જેમ કેરીમાંથી ગોટલો મળે તેમ ડોળીમાંથી બીજ / ગોટલી મળે છે જેને વાવવા થી નવો રોપ ઉછરે છે અને પિલવા થી તેલ મળે છે. કુદરત વૃક્ષના અંગે અંગમાં જાણે કે ઠાંસી ઠાંસીને નકરી ઉપયોગિતા ભરે છે.
છોટાઉદેપુર, જાંબુઘોડા અને રતન મહાલના જંગલોમાં 36 હજાર થી વધુ મધુ વૃક્ષો
વન વિભાગના અંદાજ પ્રમાણે છોટાઉદેપુર, જાંબુઘોડા અને રતન મહાલના જંગલોમાં 36 હજાર થી વધુ મધુ વૃક્ષો છે. આ વૃક્ષ વર્ષમાં બે વાર આદિવાસીઓ ને આવક આપે છે. પહેલી પૂરક આવક મહુડાના ફૂલના વેચાણમાંથી અને બીજી પૂરક આવક ફળ એટલે ડોળીમાંથી મળે છે. આમ,એક મહુડો વિવિધ લાભો આપે છે. મહુડા પરથી ખરેલી ડોળીઓ જમીન તળે દબાય છે અને તેના પર ચોમાસામાં અમૃત જળનો અભિષેક થતાં નવા રોપાં આપોઆપ ફૂટે છે. આમ, તે જંગલની વૃક્ષ સમૃદ્ધિ વધારવાનું માધ્યમ બને છે.
ખરતા ફળ એટલે કે ડોળી કોઈ પણ વીણી શકે એવો આદિજાતિ વિસ્તારમાં વણ લખ્યો નિયમ છે
એલચી: મહુડા પરથી ખરતા ફૂલ વીણવાનો અધિકાર ,જે પરિવાર આ વૃક્ષનું માલિક હોય તેને જ છે. પણ તેના પરથી ખરતા ફળ એટલે કે ડોળી કોઈ પણ વીણી શકે એવો આદિજાતિ વિસ્તારમાં વણ લખ્યો નિયમ છે એવું 115 મધુ વૃક્ષોના માલિક ગોવિંદભાઈ રાઠવાનું કહેવું છે. આ મોસમની બળબળતી બપોરે એકાદ ઘટાદાર મહુડો શોધી,એની છાંયામાં કાથી ભરેલો ખાટલો ઢાળી પડતું મૂકવાની મઝા માણવા જેવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર