વડોદરા: શહેરમાં રવિવારે તાપમાનનો પારો 09 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે ગઈકાલે શહેરનું તાપમાન 10 ડિગ્રી આસપાસ હોવાની સંભાવના હતી. પરંતુ તાપમાનમાં ઘટાડો થઈ 08 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગઈકાલે શહેરનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં 8 ડિગ્રી તાપમાન સુધી ઠંડીનો પારો ગગડયો ન હતો. જે ગઇકાલના રોજ બે વર્ષનો રેકોર્ડ તૂટયો.
ઉત્તર-પૂર્વ દિશામાંથી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા 8 ડિગ્રી સાથે ગઈકાલ સોમવારે સિઝનની સૌથી વધુ કડકડતી ઠંડીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. જેણે પાછલા બે વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા હતા. હજુ આજરોજ ઠંડીનો પારો નીચે ગગડશે તેવી સંભાવના નોંધાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ વડોદરા શહેરમાં ઠંડીનો પારો 9 ડિગ્રી હતો અને સિઝનનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો. પરંતુ એક ડિગ્રીના ઘટાડા બાદ ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો અને સોમવાર સીઝનનો કોલ્ડેસ્ટ ડે બની ગયો હતો.
વડોદરા શહેરમાં આજરોજ મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના રહેલી છે. વહેલી સવારે પણ શહેરીજનોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ ગઈકાલની જેમ જ ઠંડી યથાવત રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. આગામી દિવસોમાં પણ સુસવાટાભેર પવન સાથે ઠંડીનો માહોલ યથાવત રહેશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.