વડોદરા: રાષ્ટ્રિય બાલિકા દિવસની (National Girl's Day) ઉજવણી પ્રસંગે પ્રેરક સંદેશ આપતાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે (Manishaben Vakil) જણાવ્યું કે, માતા પિતા, પરિવાર અને સમાજનું વ્હાલ મેળવવાનો દીકરીઓને દીકરાઓ જેટલો જ અધિકાર છે. તેમણે વાલીઓને દીકરીઓના યોગ્ય ઉછેર, શિક્ષણ, પોષણની પૂરતી કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર (State Government) અને ભારત સરકાર (Indian Government) કન્યા શક્તિને પ્રોત્સાહિત કરવા સંકલ્પબધ્ધ છે.
તેમણે જણાવ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સન 2008 થી 24 મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવે છે. જેનો આશય આ બાબતમાં સમાજમાં જાગૃતિ આણવાનો છે. રાષ્ટ્રિય બાલિકા દિવસનો પ્રેરક સંદેશ આપતાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે દીકરીઓના જન્મ દરમાં વધારાને આનંદની ઘટના ગણાવી.
દીકરીઓના જન્મ દરને ઘટતો અટકાવવાને અગ્રતાની બાબત ગણાવતાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સન 2011 માં પ્રત્યેક 1000 દીકરાઓ સામે દીકરીઓનું પ્રમાણ 890 હતું. દીકરીઓ પ્રત્યેના સામાજિક અભિગમમાં સમતુલાને પગલે 2020 માં આ પ્રમાણ વધીને પ્રત્યેક 1000 દીકરા સામે 965 થયું છે જે આનંદની વાત છે. દીકરીઓના જન્મ દરમાં સ્થિરતા અને વધારો જરૂરી છે.
બાળક ના જન્મના પ્રથમ 1000 દિવસ તંદુરસ્ત ઉછેર માટે નિર્ણાયક ગણાય છે, ત્યારે રાજ્ય સરકારે બાળ પોષણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેના ભાગરૂપે વિવિધ વયજૂથ પ્રમાણે પોષક તત્વો અને ઔષધીયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે. 3 થી 6 વર્ષના બાળકો માટે બાળ શક્તિ પ્લસ, 15 થી 18 વર્ષની દીકરીઓ માટે બાળ પૂર્ણા ટી. એચ. આર. ના રૂપમાં આપવામાં આવે છે. બાળ પોષણની યોજનાઓ હેઠળ મળતાં આ લાભો પૂરતી કાળજી સાથે દીકરીઓને આપવા તેમણે હિમાયત કરી છે.
દીકરીઓને ભણાવીએ અને આગળ વધારીએ તેવો અનુરોધ કરતાં તેમણે કહ્યું કે, દીકરીઓ શિક્ષણ મેળવીને આઇએએસ, આઇપીએસ, ડોકટર, ઇજનેર, વિજ્ઞાની બની શકે છે. એટલે શિક્ષણની તકો ભેદભાવ વગર દીકરીઓને પણ સરખી જ મળવી જોઈએ. તેમણે પરિવાર અને સમાજમાં દીકરીઓ માટે સકારાત્મક અને તંદુરસ્ત માનસિકતા સાથે દીકરીઓની કાળજી લેવાના વાતાવરણને પ્રોત્સાહિત કરવા ખાસ અનુરોધ કર્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર