Nidhi Dave, Vadodara: શહેરના કુબેર ભવન પાછળ સેવ ઉસળની લારી ચલાવતા દિનેશ શર્મા છેલ્લાં 7 વર્ષથી 200 થી 250 ગરીબ લોકોને જમાડવાનો સેવાયજ્ઞ કરી રહ્યાં છે. 58 વર્ષીય દિનેશભાઇ પોતે દિવસે સામાન્ય લારી ચલાવી તેની આવકથી ગરીબ, નિઃસહાય લોકોને બે સમયનું ભોજન પૂરું પાડે છે.
દિનેશભાઈ શર્માએ સયાજીમાં આવતા દર્દીના પરિવારજનોને જમવાની તકલીફ ન પડે તે માટે રોજ 200 લોકોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરી છે. ગંભીર બીમારીથી પીડાતાં તેઓનાં પત્ની અનિતાબેન શર્માની સા૨વા૨ માટે તેમની દુકાન અને મકાન વેચાયું હતું. 8 વર્ષની સારવાર બાદ વર્ષ 2015 ના 10 મહિનામાં કરવા ચોથે તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા.
સારવારના અંતિમ દિવસોમાં અનિતાબેને સયાજીમાં આવતા અન્ય દર્દીના પરિજનોને પડતી પરેશાની જોઈ પતિ દિનેશભાઇ શર્માને આ લોકો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તો તે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીની ઈચ્છાને દિનેશભાઈએ જીવનનો મંત્ર બનાવ્યો અને પોતે દિવસ દરમિયાન જે પણ કમાણી કરે તેને નિરાશ્રિતો અને નિઃસહાય લોકોના જમવા પાછળ ખર્ચવાની નેમ લીધી.
પરિવારમાં 4 પુત્રીઓની જવાબદારી સાથે દિનેશભાઇ શર્માએ આ કાર્ય ઉપાડ્યું અને 7 વર્ષથી તેઓ સવારે 75 લોકો અને સાંજે 125 થી 150 લોકોની આંતરડી ઠારે છે. તેમણે શ્રી કૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ બનાવ્યું છે. સેવાયજ્ઞમાં તેમની 4 પુત્રી અને 2 જમાઈ પણ જોડાયાં છે. પંચમુખી હનુમાનજીના મંદિર સામે સવારે બે રોટી અને લસણની ચટણી અને સાંજે કઢી ખીચડી કે દાળભાત તેમજ શાક અને રોટલી રાખે છે.
આ ઉપરાંત જમાડવાની સાથે સાથે દિનેશભાઇ અને એમની પુત્રીઓ જરૂરિયાત મંદોને કપડાં, ઠંડીમાં ઓઢવાનું, દવા, સારવાર માટે મદદ, તમામ સેવાઓ પણ પુરી પાડી રહ્યા છે. આમની સેવામાં જેમની જોડાવું હોય કે સેવા આપવી હોય તો અહીં સંપર્ક કરી શકાય છે.
દિનેશભાઇ શર્મા - શ્રી કૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ (9824625257)