વડોદરા: જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે વડોદરામાં તથા ગ્રામ વિસ્તારોમાં તરુણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વાલીઓને તા. 31/12/2007 પહેલાં જન્મેલા અને 15 થી 18 વર્ષની ઉંમરના સંતાનોને નજીકના કેન્દ્ર ખાતે રસી અપાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના સામે સુરક્ષા કવચ ઉભુ કરવામાં તરુણોના રસીકરણની વ્યવસ્થા એક આગવું સોપાન છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તેમની સાથે રહ્યાં હતા. વડોદરા જિલ્લામાં સર્વે ને આધારે ઉપરોક્ત વય જૂથના અંદાજે 69 હજાર તરુણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 203 જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કોવેક્સિન રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે મહા રસીકરણ ઝુંબેશ અને સંધ્યા રસીકરણ સત્રો યોજવામાં આવ્યા છે. આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.
વડોદરામાં આજથી 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ થયું છે. શહેરમાં 79 રસીકરણ કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના વેક્સિનેશનનો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 1000 વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થયું છે. વડોદરા શહેરમાં અંદાજે દોઢ લાખ જેટલા કિશોરોને રસી આપવામાં આવશે.