જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 3.26લાખથી વધુ ઘરોમાં નળથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યુ
Vadodara News: વાસ્મો વડોદરાએ ઑગસ્ટ 19 થી ડિસેમ્બર 21 સુધીમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 3.26 લાખથી વધુ ઘરોમાં ટેપ કનેક્ટીવિટીની જહેમતભરી કામગીરી દ્વારા પ્રત્યેક ઘરને નળથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું.
વડોદરા: વાસ્મો વડોદરાએ (Vasmo Vadodara) ઑગસ્ટ 19 થી ડિસેમ્બર 21 સુધીમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 3.26 લાખથી વધુ ઘરોમાં ટેપ કનેક્ટીવિટીની જહેમતભરી કામગીરી દ્વારા પ્રત્યેક ઘરને નળથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો, વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પ્રત્યેક ગામ અને ઘરને પાણી પુરવઠા યોજનાઓના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે.
આ એકમની સમર્પિત કામગીરીને જિલ્લા કલેકટરએ પ્રશસ્તિ પત્ર અર્પણ કરીને બિરદાવી છે. પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઈ પરમારે ટીમ વાસ્મો, વડોદરાને પ્રશસ્તિ પ્રમાણપત્ર અર્પણ કરવાની સાથે જિલ્લાના ગ્રામ વિસ્તારના પ્રત્યેક ઘરને નળ દ્વારા પાણી મળે એવી વ્યવસ્થા સાકાર કરવા માટે ધન્યવાદ આપ્યા હતા.
જળ જીવન મિશન હેઠળ પ્રત્યેક ઘરકો નળ સે જલ એ પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ છે એવી જાણકારી આપતાં વાસ્મોના કો ઓર્ડીનેટર ભરત વિરડિયા એ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં આ પ્રોજેક્ટ હેઠળ ઓગષ્ટ 2019 માં પ્રત્યેક ઘર માટે ટેપ કનેક્ટિવિટીના માધ્યમથી પાણીની વ્યવસ્થા સાકાર કરવાના સંકલ્પ સાથે કામ શરૂ કરવામાં આવ્યું. ડીસેમ્બર 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરીને 3.26 લાખથી વધુ ઘરોને નળ દ્વારા ઘરમાં જ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વાસ્મો ગામલોકોની માંગ પ્રમાણે ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ બનાવવી, ગામમાં જળ અને સ્વચ્છતા સમિતિની, પાણી સમિતિની રચના કરવી, એની મદદથી યોજનાઓનું સંચાલન કરવું, ગ્રામ સ્વચ્છતા અને જળ બચત માટે પ્રોત્સાહિત કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અમારી ટીમ આ સન્માનથી પ્રોત્સાહિત થઈ છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે સૌનો આભાર માન્યો છે.