વર્તમાન સમયમાં યુવાનોમાં ટેટુનો ગજબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
વડોદરાના ટેટુ કલાકારે ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યો છે. કિશન ખૈર કોલેજના ખર્ચ કાઢવા ટેટુ પડાવતો હતો. બાદ આજે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો છે. ગોવામાં યોજાયેલા ટેટુ કન્વેન્શનમાં ઇન્ટરનેશનલ એવોર્ડ જીત્યો છે.
Nidhi Dave, Vadodara: વર્તમાન સમયમાં યુવાનોમાં ટેટુનો ગજબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવામાં ટેટુના કલાકારો પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે. ત્યારે વડોદરાના કલાકાર કિશન ખૈરેએ ટેટુ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ વધાર્યું છે.
વડોદરામાં ટેટુ સ્ટુડિયો ચલાવતા કિશન ખૈરેએ તાજેતરમાં જ ગોવામાં યોજાયેલ ટેટુ કન્વેન્શનમાં ભાગ લીધો હતો. જેમાં દેશ-વિદેશના 65 જેટલા કલાકારોએ પોતાની પ્રતિભા બતાવી હતી. કિશન ખૈરેએ કોલોબ્રેશન ટેટુ કેટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ અને કાર્ટૂન ટેટુ કેટેગરીમાં રનર્સઅપ બની ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યો છે.
કોલેજના ખર્ચા કાઢવા માટે ટેટુ બનાવતો હતો
કિશન ખૈરેએ જણાવ્યું હતું કે, ટેટુ ક્ષેત્રે મારી શરૂઆત જ્યારે હું ફાઇન આર્ટ્સ કરતો હતો ત્યારથી થઈ અને મને ટેટુ પાડવાનો ખૂબ જ શોખ છે. ત્યારે હું મારા કોલેજના ખર્ચા કાઢવા માટે ટેટુ પડાવતો હતો. પણ એવું ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ ટેટુ ફિલ્ડમાં પ્રોફેશનલ આર્ટીસ્ટ તરીકે આવીશ.
ત્યારબાદ મેં આઈ.ટી. કંપનીમાં ઈલાસ્ટ્રેટર તરીકે કામ કર્યું. પછી તો હું ટેટુ ક્ષેત્રે વધારે ધ્યાન આપવા લાગ્યો અને મુંબઈ, દિલ્હી, ગોવા, વિશાખાપટ્ટનમ, બેગ્લોર જેવી જગ્યાઓ પર ટેટુ વર્ક કર્યા અને વિચાર્યું કે પોતાનો સ્ટુડિયો શરૂ કરવો જોઈએ. વર્ષ 2010થી લઈને આજ સુધીમાં મેં મારા પોતાના સ્ટુડિયોમાં કામ કરી રહ્યો છું.
તહેવારો પ્રમાણે યુવાનો ટેટુ પડાવતા હોય છે
ટેટુ પાડવા માટે ખાસ પ્રક્રિયા હોય છે. જ્યારે પણ કોઈ ટેટુ પાડવા આવે, ત્યારે ગ્રાહકને કેવી ડિઝાઇન ગમે છે એને સમજીને ડિજિટલ ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય છે. એક વાર ડિજિટલ ડિઝાઇન નક્કી થઈ જાય ત્યારે બાદ એનું ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢીને ટેટુ પાડવામાં આવતું હોય છે. અને હાલમાં તો યુવાનોમાં ખાસ ટેટુનો ક્રેઝ વધ્યો છે, તહેવારો પ્રમાણે યુવાનો ટેટુ પડાવતા હોય છે.