રાજ્યભરની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. સાતમા પગારપંચ અને કમલેશચંદ્ર કમિટી રિપોર્ટ લાગુ કરી મળવાપાત્ર લાભો આપવામાં આવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે આ હડતાળના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસની કચેરી પર આજ રોજ દોઢસોથી વધુ કર્મચારીઓ પોતાની રજુઆત લઈ પોહચ્યા હતા. સાત - સાત વર્ષથી પણ વધુ સમય વીતી જવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર લાભો નથી મળી રહ્યા તેવી રજુવાત કર્મચારીઓએ પોસ્ટ ઓફિસના મહિલા હેડને કરી હતી.
નાનપુરાની મુખ્ય ઓફિસ પોહચેલા મહિલા કર્મચારીઓ સહિતના લોકોએ ભારે સુત્રોચાર કરવાની સાથે પોતાની માંગ પ્રબળ બનાવી હતી. પોસ્ટ - ઓફિસ બહાર દેખાવ કરી રહેલાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના કર્મચારીઓ ફરજ બજાવે છે. દરેક મહિલા સહિત પુરુષ કર્મચારીઓ સાત વર્ષ તેમજ વધુ સમયથી ફરજ બજાવે છે. કેન્દ્ર સરકારમાં કમલેશચંદ્ર કમિટી રિપોર્ટ યોજના મુકવામાં આવી છે. જેનો લાભ પણ કર્મચારીઓને મળી નથી રહ્યો.
અન્ય વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તમામ લાભો આપવામાં આવી રહ્યો છે. અહીં સુધી કે સરકારે સાતમો પગારપંચ પણ લાગુ કરી દીધો છે, પરંતુ પોસ્ટ-ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ સાતમો પગારપંચ લાગુ કરવામાં આવ્યો નથી. જે લાભો પોસ્ટ ઓફિસના કર્મચારીઓને મળે તેવી માંગ સરકાર પાસે છે.
પોસ્ટ કર્મચારી રમેશ શર્માએ જણાવ્યું કે, મોદી સરકારે અમારી માંગણી પુરી કરી છે પણ હજુ સુધી પણ કેબિનેટમાં મંજુર કરવામાં આવી નથી જેથી અમારી પડતર માંગણી પુરી કરે તેવી આશા છે.